હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારોહ તારીખ 07 મે 2026ના રોજ યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં આવેલા કશ્યપ સભાગૃહમાં યોજાયો.
યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે સૌનું શાબ્દિક અભિવાદન કર્યું અને કુલાધિપતિ સમક્ષ (BAOU)ની વાર્ષિક કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો.
અધ્યક્ષસ્થાનેથી રાજ્યપાલએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(BAOU)ની વર્ષપર્યંતની સક્રિય કામગીરી પ્રતિ હર્ષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, “ડૉ. બાબાસાહેબે બાલ્યકાળમાં સામાજિક ભેદભાવોનો કપરો સામનો કર્યો હતો. સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિવાદના ભેદભાવો એ ગંભીર દૂષણ છે.” તેમણે વેદમંત્રોના વિપરીત અર્થઘટન દ્વારા સામાજિક વ્યવસ્થામાં પેસી ગયેલા વંશભેદને ટાંકતાં સ્પષ્ટ કર્યું કે, “ઈશ્વરનિર્મિત આ વિશ્વમાં જાતિવાદને કોઈ સ્થાન નથી. માનવતાવાદી અભિગમ સાથે બીજાના હૃદયનાં સ્પંદનોને સમજવા અને સામાજિક ઉન્નતિ કાજે આપણે સૌ એક જ પિતાનાં સંતાન હોવાની ભાવના કેળવવી અનિવાર્ય છે.” પદવીધારકોને આશીર્વચન પાઠવતાં તેમણે વૃક્ષારોપણ, જળસંરક્ષણ, પ્રાકૃતિક ખેતી કે ગૌવંશ-સંવર્ધન જેવાં સત્કાર્યોમાં સ્વને સમર્પિત કરી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
ઉચ્ચતમ ન્યાયાલયનાં પૂર્વ ન્યાયાધીશ સારસ્વત અતિથિ સુ. બેલા એમ. ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું કે, “ડૉ. બાબાસાહેબ આંબેડકરના શૈક્ષણિક વિઝનને ગુજરાત સરકારે (BAOU) દ્વારા સાકાર કર્યું છે.” તેમણે માહિતીને માત્ર તથ્યોનો સંગ્રહ ગણાવી, તેમાંથી સત્યનું અન્વેષણ કરી આંતરિક શક્તિઓને પ્રદીપ્ત કરે તેવા યથાર્થ શિક્ષણની અનિવાર્યતા સમજાવી હતી. વિદ્યાર્થીઓ પોતાની આત્મશક્તિને ઓળખીને પ્રગતિપંથે અગ્રેસર થાય તેવી લાગણી તેમણે રજૂ કરી.
આ પ્રસંગે સામાજિક સમરસતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ કિશોર મકવાણાને રાજ્યપાલના હસ્તે “ડૉ. બાબાસાહેબ આંબેડકર સમરસતા પુરસ્કાર-2026″થી સન્માનિત કરવામાં આવ્યા. સન્માન પ્રતિભાવમાં કિશોર મકવાણાએ જણાવ્યું કે, સમરસતા એ માત્ર સૈદ્ધાંતિક ચિંતનનો નહીં, પરંતુ વ્યાવહારિક અમલીકરણનો વિષય છે.
ત્યારબાદ, રાજ્યપાલના હસ્તે BAOUના ‘પદ્મ’ પૉડકાસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે યુનિવર્સિટીના નવા અભ્યાસક્રમો ‘સર્ટિફિકેટ કૉર્સ ઇન મૅન્યુસ્ક્રિપ્ટોલૉજી ઍન્ડ ઇન્ડિયન ઍન્શિયન્ટ સ્ક્રિપ્ટ્સ’, ‘સર્ટિફિકેટ કૉર્સિસ ઇન ધરમપાલ્સ ધ બ્યુટિફુલ ટ્રી’ અને ‘આર્મેનિયન લૅંગ્વેજ ઍન્ડ હિસ્ટ્રી’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનાં ગુણપત્રક અને પદવી ઑનલાઇન પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્યપાલ દ્વારા (NAD)- Digilockerનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
મંચસ્થ મહાનુભાવોના હસ્તે BAOU દ્વારા SSIP અંતર્ગત વિદ્યાર્થી દીઠ 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
પદવીદાન સમારોહમાં કુલ 22770 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી. જેમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક દેખાવ કરનાર વિદ્યાર્થીઓને 37 સુવર્ણચંદ્રક, 40 રજતચંદ્રક અને 41 પ્રશસ્તિપત્રો મળી કુલ 118 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે Ph.D. સહિત 12008 સ્નાતક (UG), 5636 અનુસ્નાતક (PG), 30 પીજી ડિપ્લોમા, 1041 ડિપ્લોમા અને 4054 સર્ટિફિકેટ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી.
આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થી માણેક દીપક ચંદ્રકાંતભાઈ(MGT)ને ‘વિભા ભારતી ઉમાકાંત ઉપાધ્યાય સુવર્ણચંદ્રક’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા; તથા વિશેષ વિદ્યાર્થિની અંજલિ પરમારને બી.કૉમ.ની પદવી અર્પણ કરવામાં આવી. વર્ષ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે સર્વશ્રેષ્ઠ પ્રાદેશિક કેન્દ્ર તરીકે ‘રીજનલ સેન્ટર – પાટણ’ને સન્માનિત કરવામાં આવ્યું.

આ સમારોહમાં મંચ પર અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સારસ્વત અતિથિ તરીકે ઉચ્ચતમ ન્યાયાલયનાં પૂર્વ ન્યાયાધીશ સુશ્રી બેલા એમ. ત્રિવેદી, અતિથિ વિશેષ તરીકે ‘રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ’ના અધ્યક્ષ કિશોર મકવાણા, યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાય અને યુનિવર્સિટીના કા. કુલસચિવ ડૉ. ભાવિન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત, આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે સમારોહમાં યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) અને બોર્ડ ઑફ મૅનેજમેન્ટ (BOM)ના સભ્યો, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ ગુજરાતના પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટીના કા. કુલસચિવ ડૉ. ભાવિન ત્રિવેદીએ આભારદર્શન કર્યું અને રાજ્યપાલની અનુમતિ મળતાં સમારોહનું વિધિવત્ સમાપન થયું. સમારોહનું સુચારુ સંચાલન ડૉ. નિગમ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. આમ, જ્ઞાન, દીક્ષા અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વના શુભ સંદેશ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આ ગૌરવવંતો સમારોહ એક ઐતિહાસિક સ્મૃતિ બની રહ્યો.
