હિન્દ ન્યુઝ, રાજપીપળા
સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે તાજેતરમાં જિલ્લા રોજગાર કચેરી- રાજપીપળાના સંકલનથી કોલેજ પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરૂકૂળ મેનેજમેન્ટ બોડેલીના કંપની પર્સન તરીકે દીપકભાઈ ઝાલા અને બૅન્કો પ્રોડક્ટ લિમિટેડમાંથી અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ડ્રાઈવ-ડિસેમ્બર-૨૦૨૪ અંતર્ગત કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. અન્ય વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ રસ દાખવી કોલેજના કુલ- ૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે તિલકવાડા તાલુકામાંથી પણ અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું હતું તેવા ૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કેમ્પમાં ઉપસ્થિત કંપનીપર્સન દ્વારા સૌપ્રથમ પોતાની કંપનીનો પરિચય આપી કામગીરીની સમાજ આપી હતી. ત્યારબાદ જે વિદ્યાર્થીઓને રસ હોય તેવા વિદ્યાર્થીઓનો ઇંટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઈટરવ્યૂ બાદ જે વિદ્યાર્થીઓને નોકરીમાં રસ હોય તેવા વિદ્યાર્થીઓને કંપની લોકેશન પર આવવા માટે કહ્યું હતું. કાર્યક્રમમાં કોલેજ પ્લેસમેન્ટ ઓફિસર પ્રા. એમ. બી. બાગુલ દ્વારા કંપનીપર્સનનો વિધાર્થીઓને પરિચય આપી કોલેજ પ્લેસમેન્ટ અંગે જાણકારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું કોલેજના આચાર્યશ્રી એમ. એમ. ડામોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.