હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં ‘પા પા પગલી પ્રોજેક્ટ’ અંતર્ગત રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’ – એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ મહિલાઓને માતા યશોદા એવોર્ડ, ભૂલકા મેળાની વિજેતા કૃતિઓ તથા ટી.એલ.એમ. (ટીચીંગ વિથ લર્નિંગ મટિરિયલ) નિદર્શનના વિજેતાઓને ઈનામ તથા વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભૂલકા મેળાના કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની વિવિધ આંગણવાડીઓનાં બાળકોની ટીમો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની આઈ.સી. ડી. એસ.ની ટીમો દ્વારા ટી.એલ.એમ. (લર્નિંગ વિથ ટીચિંગ મટીરીયલ) પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ શરૂઆતમાં આ પ્રદર્શન નિહાળીને સૌને બિરદાવ્યા હતા.