હિન્દ ન્યુઝ, બારડોલી
રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે આયોજિત તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના અંતિમ દિને કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતો-ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીતે જણાવ્યું કે, કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો, અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કૃષિ વિભાગ આયોજિત પ્રદર્શનમાં કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ સાધનો પ્રદર્શિત થયા હતા.
અહીં નિષ્ણાંત કૃષિ વૈજ્ઞાનિકોએ પાકોમાં મૂલ્યવર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ પરમાર, મદદનીશ ખેતી નિયામક દિપક આર પટેલ, મદદનીશ બાગાયત નિયામક પંકજ માલવિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જનકસિંહ રાઠોડ, બાગાયત અધિકારી અંકિતા હળપતિ, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.