હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરતા પ્રાકૃતિક ખેતીમાં થયેલી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન કર્યું છે. તેમણે પ્રાકૃતિક કૃષિ સાથે દેશના ૧ કરોડ ખેડૂતોને જોડવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે રૂ.૨૪૮૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે.
દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે, ત્યારે આ ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતા અતિ આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતું. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે. દેશી ગાય વિના પ્રાકૃતિક કૃષિ અધુરી છે. જૈવિક ખેતી સદંતર નિષ્ફળ છે, જ્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે તારણહાર બની છે, એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે.
રાજ્યપાલએ આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત અગ્રણી પ્રગતિશીલ ખેડૂતો-માસ્ટર ટ્રેનર્સને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા પૂરી પાડવા જણાવ્યું હતું. ઉમરપાડા તાલુકાનું બિલવણ ગામ પ્રાકૃતિક ગામ બન્યું છે અને ૧૦૦ ટકા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એ જાણીને તેઓ આનંદિત થયા હતા. સુરત શહેરના નાગરિકોને ઝેરમુક્ત અનાજ અને શાકભાજી પૂરા પાડવાનો હેતુ પણ સિદ્ધ થાય અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને બજાર પણ મળે એ માટે હજુ પણ વ્યાપક વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો.
ખેડૂતોને એકથી વધુ મિશ્ર પાક ઉત્પાદન આપતી પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવી અનિવાર્ય છે એમ જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવીને રાજ્યના ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર વિશ્વને જીવન જીવવાનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીતે સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં હાલ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ૪૧,૬૧૮ ખેડૂતો, ફાર્મર માસ્ટર ટ્રેનરોની તાલીમ, જીવામૃત-ઘન જીવામૃત બનાવવા માટે તાલીમ અને કાર્યક્રમો, ખેડૂતો સાથે સંવાદ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા જેમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ૨૩ વેચાણ કેન્દ્રો, કૃષિ મેળાઓનું આયોજન, રવિ કૃષિ મહોત્સવ, ગૌપાલન, મોડેલ ફાર્મ વિઝીટ, ફ્લેગશીપ કાર્યક્રમો-યાત્રાઓમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અને માર્ગદર્શન અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યપાલનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતોએ પોતાના અનુભવો પણ જણાવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીત, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)શ્રી સી.આર.પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી એમ.પી. ભીમાણી, તાલુકા સંયોજકો, પ્રાકૃતિક કૃષિ માટે નિમાયેલા તાલુકાના વિવિધ નોડલ કૃષિ અધિકારીઓ સહિત પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતો, માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. -૦૦-