હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં અધિક નિવાસી કલેકટરશ્રી ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને પ્રારંભ કરાવ્યો હતો. સેનાના જવાનોના સાહસ, શોર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અધિક નિવાસી કલેકટર ક્રિષ્ના વાઘેલાએ ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. માં ભોમની રક્ષા કાજે જવાનો સરહદ ઉપર યુધ્ધમાં આતંકવાદીઓ સાથેની લડાઈમાં પ્રાણ ન્યોછાવર કરી દેશ માટે મહાન કુરબાની આપે છે. આવા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો, સૈનિકો અને પૂર્વ સૈનિકોના કલ્યાણ અર્થે અને તેઓને સંકટ/માંદગીના સમયે નાણાંકીય સહાય આપવા યથાશક્તિ યોગદાન આપી સહભાગી થવા અધિક નિવાસી કલેકટરએ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોના પરિવારજનો સન્માનભેર પોતાના જીવન જીવી શકે તેમજ યુદ્ધની સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિ ગ્રસ્ત થવાના કારણે સેવા નિવૃત્ત સૈનિકોના પુન: વસવાટ અને તેઓના પરિવારજનો માટે વિવિધ કલ્યાણકારી કાર્યોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.