હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી સોના-ચાંદીની પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલી નવસારી પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે દેરાસરના ટ્રસ્ટીઓને મૂર્તિઓ પરત કરવામાં આવી હતી. ચોરીનો ભેદ માત્ર ૧૬ જ દિવસમાં ઉકેલવા બદલ શ્રી સંઘવીએ નવસારી એસ.પી, નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. સુરતના વેસુ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત ચોરાયેલી મૂર્તિઓ દેરાસરને પુન: અર્પણ કરાઈ હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી આરોપીઓને ચાર દિવસ પહેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, પોલીસને કોઇ પુરાવો ન મળે તે માટે ચોરોએ ભગવાનની ચાંદીની મૂર્તિને ઓગાળીને તેનો ચોસલો બનાવી દીધો હતો. પોલીસને પાંચ કિલો ચાંદીનો ચોસલો અને ભગવાનની પંચધાતુની મૂર્તિ સહિતનો માલસામાન મળી આવ્યો હતો. આ પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને પોતાની ચોરાયેલી, અસામાજિક તત્વો પાસે ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે, પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ જેવા કાર્યક્રમો યોજીને ‘તમારી ચીજો છે, તમને જ મળે’ એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેરાસરની ચોરીની ઘટના આસ્થા સાથે જોડાયેલી છે. ભગવાનના ચોરાયેલા દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં આસ્થાનું મૂલ્ય વિશેષ છે, લોકોની આસ્થાનું રક્ષણ કરવા સરકાર પ્રતિબદ્ધ છે. ‘તેરા તુજકો અર્પણ’ જનતાને ગૃહ વિભાગની ઉમદા પહેલ છે જેની ભાવના મૂળ માલિક, સાચા હકદારને તેની માલિકીની ચીજો પરત મળે એવી છે એમ જણાવી તેમણે કહ્યું કે, પોલીસ વિભાગના આ રચનાત્મક અભિગમથી લોકોનો પોલીસ પર વિશ્વાસ વધ્યો છે, પ્રજા અને પોલીસ વચ્ચેનો ભાવનાત્મક સેતુ સુદ્રઢ બન્યો છે.
આ અવસરે ઉપસ્થિત જૈનમુનિ મહારાજોએ પોલીસ ટીમની કામગીરી બિરદાવી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે નવસારી પોલીસ વડા સુશીલ અગ્રવાલ, નવસારી ક્રાઇમ બ્રાન્ચ ટીમ, જૈનમુનિ- મહારાજશ્રીઓ, જૈન સમાજના અગ્રણીઓ, બિલિમોરા જૈન દેરાસરના ટ્રસ્ટીઓ સહિત પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. -00-