બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

હિન્દ ન્યુઝ, સુરત

રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂક્યો હતો. મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ યોજનાકીય મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવ યોજવાની શરૂઆત કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે જરૂરી માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ બાબતે સમજ આપવામાં આવે છે. શ્રી પરમારે કહ્યું કે, કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે.

સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે એમ જણાવી તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો, અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂકી મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ પ્રદર્શિત કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ સાધનોની કામગીરીથી વાકેફ થયા હતા. અહીં નિષ્ણાંત કૃષિ વૈજ્ઞાનિકોએ કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોએ તેમના સફળ કૃષિ અનુભવો વ્યક્ત કર્યા હતા.

આ વેળાએ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ સૌ કોઈએ નિહાળ્યું હતું. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ, ઉપપ્રમુખ કિશોર ચૌધરી જિ.પં.જાહેર આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશન પટેલ, જિ.પં.ના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ, સંયુક્ત ખેતી નિયામક-સુરત (વિસ્તરણ) કે.વી.પટેલ, સુરત આત્મા પ્રોજેકટ ડાયરેકટર એન.જી.ગામીત, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જનકસિંહ રાઠોડ, મામલતદાર દિનેશભાઈ ગિનીયા, મદદનીશ ખેતી નિયામક દિપક આર પટેલ, સરપંચ રીનાબેન ચૌધરી, સહિત વિવિધ સમિતિના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment