ઉમરપાડાના ચિતલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, સુરત

રાજ્યમાં કૃષિ ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ઉમરપાડા તાલુકાના ચિતલદા ગ્રામ પંચાયત પરીસર ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું. ખેડૂતોએ ઉમરપાડા તાલુકાના શામપુરા ગામના અમરસિંગભાઈ વસાવાના મોડેલ કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થયા હતા. આ પ્રસંગે ભાવિનીબેન પટેલે ખેડૂતોની આવક વધારવા રવિ કૃષિ મહોત્સવ અને રાજ્ય સરકારની કિસાનહિતલક્ષી યોજનાઓ મહત્વપૂર્ણ બની છે એમ જણાવી તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂકી મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ પ્રદર્શિત કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ સાધનોની કામગીરીથી વાકેફ થયા હતા. અહીં નિષ્ણાંત કૃષિ વૈજ્ઞાનિકોએ કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોએ તેમના સફળ કૃષિ અનુભવો વ્યક્ત કર્યા હતા. આ વેળાએ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ સૌ કોઈએ નિહાળ્યું હતું. આ પ્રસંગે તા.પં. પ્રમુખ રમેશભાઈ વસાવા, જિ.પં. સભ્ય દરિયાબેન વસાવા, અગ્રણી રવિસિંગ ચૌધરી, પ્રવિણ પરમાર, અમિષ વસાવા સહિત વિવિધ સમિતિના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment