હિન્દ ન્યુઝ, તાપી
તાપી જિલ્લાના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રીકતા ખેડુતો સુધી પહોંચાડવા, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડુતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના કેમ્પસ ખાતે ધારાસભ્ય મોહનભાઇ કોંકણી અને સોનગઢ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસાવાએ પોતાની સ્થાનિક ભાષામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા માટે પ્રોત્સાહન પુરુ પાડતા જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત કલ્યાણ માટે કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવી હતી. જેનો લાભ લઈને તાપી જિલ્લાના ખેડૂતો પણ વિવિધ ખેતીલક્ષી યોજનાઓનો લાભ લઈને સમૃદ્ધ બન્યા છે. સરકારની ખેતીલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત બાંધવો સુધી મળે તેવા હેતુ સાથે વહીવટી તંત્રએ પણ નોંધનીય કામગીરી કરી છે.
ઉલ્લેખનીય છે કે, વ્યારા મથક ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ જણાવ્યું કે, ગુજરાતના તથા તાપી જિલ્લાના ખેડુતોને સમૃદ્ધ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો પરિણામલક્ષી છે. રાજ્ય સરકારે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે નક્કર પગલા ઉઠાવ્યા છે. આજે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતી આપનાવાથી ખેડૂતોના જમીનની ફળદ્રુપતા , ઉત્પાદન, વેચાણ અને આવકમાં વધારો નોંધાયો છે. શ્રી કોંકણીએ ખેડૂતોને સરકારની ખેતીલક્ષી યોજનાઓનો લાભ લેવા, નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે માહિતગાર રહેવા તેમજ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહિત કરીને ઝેરમુક્ત ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે જિલ્લાના સફળ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોને અન્ય ખેડૂત મિત્રો સમક્ષ પ્રસ્તૂત કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. ખેડૂતમિત્રોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ નિહાળીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીને ચેક/પેમેન્ટ ઓર્ડર વિતરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
નાવસરી કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા,ખેતી પાકોમાંથી વધુમાં વધુમાં ઉત્પાદન કઈ રીતે મેળવવું ,બાગાયત પાકો,મિલટ્સ પાકો,પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.
કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડુતમિત્રોએ ખેતીવાડી અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા હતા.
નોંધનીય છે કે, તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકા સહિત વાલોડ, ઉચ્છલ, નિઝર, ડોલવણ અને કુકરમુંડા તાલુકામાં બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમયાનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત અભિગમ સાથે શરૂ કરેલી કૃષિ મહોત્સવની નવતર પરંપરાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના કલ્યાણ માટે બનાસકાંઠાના દાંતીવાડાથી રવી કૃષિ મહોત્સવ 2024 નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તાપી જિલ્લાના સાતેય તાલુકામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવની ઉજવણી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કરશે.
આ પ્રસંગે વ્યારા મથકે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી. એન. શાહ ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા, તાલુકા વિકાસ અધિકારીએ હાજરી નોંધાવી હતી. ઉપરાંત વ્યારા-સોનગઢ ખાતેના કાર્યક્રમમાં જિલ્લા-તાલુકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા.