હિન્દ ન્યુઝ, વડોદરા
રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ્યથી રાજ્યભરના તમામ તાલુકાઓમાં આયોજીત ‘રવિ કૃષિ મહોત્સવ’ અંતર્ગત મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે વડોદરાનો તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ વડોદરા જિલ્લાના આઠેય તાલુકાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે સરકારના હૈયે ખેડૂતોનું હિત વસેલું છે તેમ જણાવી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેડૂતોની સમૃદ્ધિ માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈને દેશના વિકાસમાં ખેડૂતોને યોગદાન આપવાનું જણાવ્યું હતું.
વધુમાં ઉમેરતાં શુકલે જણાવ્યું કે ખેડૂતોને નેનો યુરિયા, સિંચાઇ, સબસિડી, આર્થિક સહાય સાથે તાલીમ અને યોગ્ય માર્ગદર્શન આપીને ખેડૂતો સમૃદ્ધ બને તથા દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખેડૂતોના આંગણે સામેથી અધિકારીઓ આવી માર્ગદર્શન આપતા હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કૃષિ વિષયક યોજનાઓના લાભાર્થીઓને શાલ ઓઢાડી પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ સહિત મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ અને બાગાયતી ખેત પેદાશોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી.