‘હર કામ દેશ કે નામ’ મંત્ર સાથે કાર્યરત ભારતીય નૌસેના એ રાષ્ટ્રનું ગૌરવ

હિન્દ ન્યુઝ, રાજકોટ

      ‘હર કામ દેશ કે નામ’ મંત્ર સાથે કાર્યરત ભારતીય નૌસેના એ રાષ્ટ્રનું ગૌરવ છે. ભારતની દરિયાઈ સીમા અત્યંત વિશાળ છે. ભારતીય નૌકાદળ આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા કરવાનું કાર્ય કરે છે. નૌકાદળના જવાનોને સલામ કરવા અને તેમની બહાદુરીને બિરદાવવા માટે, નૌકાદળ દિવસની ઉજવણી કરાય છે. તેમજ ભારતીય નૌકાદળે ૪ ડીસેમ્બર, ૧૯૭૧ના રોજ ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હેઠળ પાકિસ્તાનના કરાચી નૌકા મથક પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતાની સ્મૃતિરૂપે દર વર્ષે ૪ ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે.

ભારતીય નૌસેના એ ભારતીય સેનાનું દરિયાઇ અંગ છે, જેની સ્થાપના ઇ.સ. ૧૬૧૨માં કરવામાં આવી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેનાની રચના કરી હતી. જેને રોયલ ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી બાદ ઇ.સ. ૧૯૫૦માં નૌસેનાની ફરીથી રચના કરવામાં આવી અને તેનું નામ બદલીને ભારતીય નૌસેના કરવામાં આવ્યું હતું.

નૌકાદળના વડા (C.N.S.) સંરક્ષણ મંત્રાલય (નેવી)ના સંકલિત મુખ્યાલયમાંથી ભારતીય નૌકાદળના ઓપરેશનલ અને વહીવટી નિયંત્રણની કામગીરી કરે છે. તેમને વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (V.C.N.S.) અને અન્ય ત્રણ પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર્સ, જેમ કે ડેપ્યુટી ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (D.C.N.S.), ચીફ ઓફ પર્સનલ (C.O.P.) અને ચીફ ઓફ મટિરિયલ (C.O.M.) મદદ કરે છે.

ભારતીય નૌસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર માછીમારી કરવા જતા માછીમારોની શોધખોળ કરવી પડતી હોય છે. જેના માટે નૌસેના દરરોજ માછીમારોના એસોસીએશન સાથે પણ સતત સંપર્કમાં રહીને તમામ માછીમારોની વિગતો હાંસલ કરે છે. નૌસેનાનો મહત્વનો ઉદ્દેશ આતંકવાદીઓથી દેશનું રક્ષણ કરવાનો છે. ભારતીય નૌસેનાનું આદર્શ વાક્ય ‘शं नो वरुण:’ એટલે કે જળના દેવતા વરુણ, અમારા માટે મંગલકારી રહે! 

દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે ભારતીય નૌકાદળ કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. આંતરિક સુરક્ષા હોય કે દરિયાઈ વેપાર હોય, ભારતીય નૌકાદળ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

Related posts

Leave a Comment