બોટાદની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

     તા. ૨૧ જૂનને વિશ્વભરમાં ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો હતો.

      આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને યોગ દિવસ ઉજવવાનું સૌભાગ્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે બોટાદ જિલ્લાને પણ આ મહામૂલો અવસર મળ્યો છે. યોગ એવી પ્રક્રિયા છે જેનાથી શારીરિક સંતુલન જાળવી શકાય છે સાથોસાથ મગજને પણ ઉર્જાવાન રાખી શકાય છે. યોગ કરવાના અનેક લાભ છે જેનું મહત્વ આજે સમગ્ર વિશ્વએ સમજ્યું છે. લોકોએ યોગ કરીને પોતાની તંદુરસ્તીમાં વધારો કર્યો છે.

      વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ જિલ્લાના તમામ લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિવિધ આસન અને પ્રાણાયમ કરી શાંતિ તથા તાજગીનો અનુભવ કર્યો હતો. આજના યોગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

      આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી ભીખુભાઈ વાઘેલા,ચંદુભાઈ સાવલીયા, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, એસ.પી. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઇ પરમાર, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ, પોલીસના જવાનો, તેમજ બહોળી સંખ્યામાં બોટાદની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના સમાપન સમયે જિલ્લા પ્રશાસન દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.

        જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત બોટાદ નગરપાલિકા કક્ષાએ તાલુકા શાળા, અવેડા ગેટ ખાતે, વિહળાનાથની જગ્યા, પાળિયાદ, નુતન કન્યા વિદ્યાલય-ગઢડા, દાદા ખાચર કોલેજ-ગઢડા, બીએપીએસ મંદિર-સાળંગપુર, બરવાળા નગરપાલિકા મેદાન, ગદાણી હાઈસ્કુલ-રાણપુર તેમજ પ્રાથમિક અને પેટા આરોગ્ય કેન્દ્ર, જિલ્લા જેલ, જિલ્લા પોલીસ હેડ ક્વાટર અને પોલીસ મથકો ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : સંજ્ય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment