હિન્દ ન્યુઝ, બોટાદ
સરકારની અમલીકૃત વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ જે અરજદારશ્રીઓ પાત્રતા ધરાવતા હોઇ તેવા અરજદારોને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી blp.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે
વાજપાઇ બેંકેબલ યોજના માટે ૧૮ થી ૬૫ વર્ષની વય ધરાવતા હોવા જોઇએ. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધો-૪ પાસ અથવા તાલીમ/ અનુભવમાં વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે. અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ. આ યોજનામાં આવક મર્યાદા નથી.
બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા અને સહાયની મહત્તમ મર્યાદા માટે ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્તમ રૂ. ૮ લાખ લોન ધિરાણ સામે રૂ.૧,૨૫,૦૦૦/-, સેવા ક્ષેત્રમાં મહત્તમ રૂ.૮ લાખ લોન ધિરાણ સામે રૂ.૧,૦૦,૦૦૦/- અને વેપાર ક્ષેત્રમાં મહત્તમ રૂ.૮ લાખ લોન ધિરાણ સામે જનરલ કેટેગરી (શહેરી) માટે રૂ.૬૦,૦૦૦/-, જનરલ કેટેગરી (ગ્રામ્ય)ના અરજદારો માટે રૂ. ૭૫,૦૦૦/- રહેશે. તેવી જ રીતે રીઝર્વ કેટેગરી શહેરી/ગ્રામ્ય માટે રૂ.૮૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે.
અંધ કે અપંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય રૂ.૧,૨૫,૦૦૦/- રહેશે. વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ જિલ્લા ઉદ્યોગ કચેરીના નં-(૦૨૮૪૯)-૨૭૧૬૧૨ ઉપર સંપર્ક સાધવાનો રહેશે. તેમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી પી.પી.તડવી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
