જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દર્દીઓની લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠ જટીલ ઓપરેશન વડે દુર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે ફુલ ટાઈમ ન્યુરોસર્જરી તજજ્ઞોની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક થતા તાજેતરમાં જ ન્યુરોસર્જરી વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો ડૉ.ભૌમિક ચુડાસમા અને ડૉ.તેજસ ચોટાઈ દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯ તથા ૮૦ વર્ષના દર્દીઓના લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠનું ખૂબ જ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પુર્ણ કરી નવજીવન આપેલ છે. આ પ્રકારની ગાંઠ મગજના પાછળના ભાગે આવેલી હોય છે અને જેનું ઓપરેશન ખુબ જ જટીલ હોય છે.ઓપરેશન દરમિયાન મગજની આસપાસના નાજુક ભાગોને સલામત રાખીને સર્જરી કરવાની હોય છે.નહીતર દર્દીનાં અમુક કાર્યો કાયમી રીતે ખોરવાઈ શકે છે. આવા બે દર્દીઓના જટીલ ઓપરેશન જી.જી.હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.જે બાદ ૩-૪ દિવસ પછી બન્ને દર્દી જાતે ચાલી શકે અને વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં તેઓને રજા આપવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સુવિધાઓ જી.જી.સરકારી હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગ શરૂ થયા પછી ઉપલબ્ધ થઈ છે.હેમરેજ, સ્ટ્રોક, કરોડરજજુ તથા મગજની ગાંઠના ઓપરેશન ઉપરાંત નાના બાળકોના મગજ અને કરોડરજજુની ગાંઠ, મગજમાં પાણી ભરાઈ જવું અને જન્મજાત ખોટ વગેરે ઓપરેશન જી.જી.હોસ્પિટલમાં કાર્યરત તજજ્ઞ ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે.ન્યુરો સર્જરી વિભાગની રેગ્યુલર ઓ.પી.ડી.સોમવાર અને શુક્રવાર તથા કરોડરજજુની સ્પેશીયલ ઓ.પી.ડી.બુધવારના રોજ કાર્યરત રહે છે.તથા ઈરમજન્સી અને દાખલ દર્દી માટે ૨૪ કલાક આ સેવા ઉપલબ્ધ છે. ડીન શ્રી ડૉ.નંદની દેસાઈ, સુપ્રિટેન્ડન્ટ ડૉ.દીપક તીવારી, સર્જરી વિભાગના વડા ડો.કેતન મહેતા, એનેસ્થેશીયા વિભાગના વડા ડો.વંદના ત્રિવેદી વગેરેના માર્ગદર્શન અને સહકારથી આ પ્રકારની સુવિધા શરૂ થતા જામનગર તથા આસપાસના જિલ્લાઓના જરૂરીયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર સ્થાનિક કક્ષાએ જ મળવાની શરૂ થઈ છે.


 

 

Related posts

Leave a Comment