હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ – કલેક્ટર
વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ
કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરના કડક આદેશ
હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કુલ ૧૨ ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની ૦૬, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ની ૦૩ અને ભારત પેટ્રોલિયમ (BPCL) ની ૦૩ એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખે એજન્સીઓ પાસે ૩૧૦૯ સિલીન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને ૨૩૭૬ સિલીન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. જે આગામી ૧૩ દિવસ સુધી ચાલે તેમ છે.
તમામ પ્રોપરાઈટરઓએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે.
હાલમાં ઓનલાઈન ટ્રાફિકના કારણે ઓટીપી (OTP) જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડિલીવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેકટર ગાર્ગી જૈન ને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ-ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ ૮ થી ૯ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે.
ગેસ બુકિંગ માટેની સમયમર્યાદા સિંગલ બોટલ માટે ૨૫ દિવસ અને ડબલ બોટલ માટે ૩૦ દિવસની છે. જોકે, HPCL કંપની દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમયમર્યાદા વધારીને ૪૫ દિવસ કરવામાં આવી છે.
આ બેઠકમાં કલેકટરએ તમામ મામલતદારઓને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધીને મીટિંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
રાજ્યભરમાં કોમર્શિયલ ગેસની સર્જાયેલી અછતને ધ્યાને લઈ, જિલ્લાની શાળાઓ અને છાત્રાલયોની જરૂરિયાત મુજબનો ડેટા તાકીદે મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી.
