હિન્દ ન્યુઝ, સુરત
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાલક પાટિયા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સંચાલિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ની મુલાકાત લીધી હતી. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે.
રાજ્યપાલશ્રીએ જમનાબા વિદ્યાર્થી ભવનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને ભવનના સુવ્યવસ્થિત સંચાલનની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. તેમણે સંસ્થાની શિક્ષણ પ્રત્યેની સમર્પણ ભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ લાવવામાં આવી છે, તે આવનારી પેઢી માટે એક મજબૂત અને ઉજ્જવળ પાયો તૈયાર કરી રહી છે.
રાજ્યપાલએ સંસ્થાની લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા યુવાઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમણે મહેનત અને નિષ્ઠા સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભાવિ પેઢીના ઘડતર માટે થઈ રહેલા કાર્યોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
