હિન્દ ન્યુઝ, જામનગર
અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા જિલ્લા કલેકટર કેતન ઠક્કરની નાગરિકોને અપીલ
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલ.પી.જી. અને પી.એન.જી. રાંધણગેસના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળે સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી. સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પુરવઠાનું સંતુલન જાળવવાનો હોય, જિલ્લાના રહેવાસીઓને ખોટા સમાચારો કે અફવાઓથી ભ્રમિત થઈને રાંધણગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુમાં, જિલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે કે એલ.પી.જી.નો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાયનો અન્ય ઉપયોગ અથવા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ અને એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ ગંભીર ગુનો બને છે, જેની દરેકે નોંધ લેવી.
