હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીનું અન્વયેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે.
આણંદ મતદાર વિભાગમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા બાદ આણંદ જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારના સીલબંધ ઇ.વી.એમ. વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ તથા નલીની અરવિંદ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં અભેદ સુરક્ષા સાથે જમા લઈ સીલ કરવામાં આવ્યા છે. જયાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની સાથે ૨૪×૭ સી.સી.ટી.વી. કેમેરા મોનિટરિંગ કરવામાં આવી રહયુ છે.
નોંધનિય છે કે, લોકસભાની ચૂંટણી અન્વયે આગામી તારીખ ૦૪ જૂનના રોજ મત ગણતરી યોજાનાર છે, જેને ધ્યાને લઈ આ ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ ખાતે સી.આર.પી.એફ.ના જવાનો, એસ.આર.પી.ના જવાનો અને પોલીસના જવાનો ની ત્રિ – સ્તરીય સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ ખાતે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ -૨ ના અધિકારીઓને પણ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવાના હુકમો કર્યા હોવાનું જણાવ્યું છે.