હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત નું મતદાન આણંદ જિલ્લામાં ૭ મી તારીખના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો ચૂંટણીના દિવસે દેશ માટે ૧૦ મિનિટ કાઢે અને મતદાન કરે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત મદદનીશ શ્રમ આયુક્ત ડી. એન. સોનવણેએ આણંદ જિલ્લાના ઔદ્યોગિક એકમો ખાતે ફરજ બજાવતા કામદારો મતદાન કરે, ચૂંટણીના દિવસે કામદારોને સવેતન રજા આપવામાં આવે છે અને જો આખો દિવસ ની રજા ન હોય તો મતદાન કરવા માટે ત્રણથી ચાર કલાકની સવેતન રજા આપવામાં આવે, તે અંગેની જાણકારી આપવા માટે જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો કંપનીઓ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન અચૂક કરશો દેશ માટે મતદાન કરો અને સમય કાઢીને મતદાન કરો દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરો તે અંગેની સમજ આપવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
જે અંતર્ગત સોનવણે દ્વારા એલિકોન એન્જિનિયરિંગ, IDMC લિમિટેડ, ઇટીસી એગ્રો પ્રોસેસિંગ (ઇન્ડિયા) પ્રા. લિ., સોપારીવાલા, NISOL મેન્યુફેક્ચરિંગ, DURAVIT, ઓરિએન્ટ ગ્લેઝ કંપની અને જિલ્લાની અન્ય કંપનીઓ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
આ કાર્યક્રમમાં કંપનીના માલિકોને ચૂંટણીના દિવસે કામદારોને મતદાન કરવા માટે રજા આપવા અને સવેતન રજા આપવા સહિતની જાણકારી આપવામાં આવી હતી. આ તકે કામદારોને હું અવશ્ય મતદાન કરીશ તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કામદારો હાજર રહ્યા હતા.