હિન્દ ન્યુઝ, આણંદ
૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બી.આર.સી.ભવન, વઘવાલા, બોરસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ રમતવીરો માટે સીટીંગ વોલીબોલની રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં આણંદ અને વડોદરા જિલ્લાના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ ૯૮ દિવ્યાંગ રમતવીરોએ સીટીંગ વોલીબોલ રમીને પોતાની સક્ષમતા દર્શાવીને મતદાન કરવા માટે ઘરે બેઠાં મતદાનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં મતદાન મથકે જઈને મતદાન કરશે તેવી વાત કરીને સૌને અચૂક મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે તમામ દિવ્યાંગ રમતવીરોએ ખૂબજ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મતદાન જાગૃતિના કાર્યમાં તમારી સહભાગિતા અને ઉત્સાહ જોઈને મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય છે. આપ સૌ અવશ્ય મતદાન કરશો અને આપ સૌનું મતદાન કરવું તમામ મતદારોને પ્રેરણા પૂરી પાડશે. આજે યોજાયેલી સીટીંગ વોલીબોલની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું આપ સૌને ખૂબજ અભિનંદન પાઠવું છું.
મતદાર જાગૃતિના ભાગરૂપે યોજાયેલ સીટીંગ વોલીબોલની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના હસ્તે દિવ્યાંગ રમતવીરોને પ્રમાણપત્ર અને વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બોરસદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અમિત પટેલ, સ્વીપના નોડલ ઓફિસર કામિનીબેન ત્રિવેદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મામલતદાર બોરસદ, દિવ્યાંગકક્ષાના જિલ્લાના આઇકોન સમીમ વહોરા, રાષ્ટ્રીય સ્તરે જિલ્લામાંથી રમેલા અન્ય સ્પર્ધકો તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર, બોરસદ વિધાનસભા મતવિસ્તાર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ તેમજ દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.