હિન્દ ન્યુઝ, આણંદ
આગામી તા. ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૧૦૮ – ખંભાત વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી કુંજલ શાહે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ની ૧૪૪ પ્રાથમિક શાળાઓ કે જ્યાં ૨૩૮ મતદાન મથકો ઊભા કરાયા છે ત્યાં દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ બનાવવાના વિચારને હાથમાં લઈ તમામ મથકોને વ્હીલચેરથી સજજ કરવાની નવતર પહેલ હાથ ધરી છે. જેના ભાગરૂપે રસિક્લાલ નટવરલાલ પરિખ ઓડિટોરીયમ, ખંભાત ખાતે ૧૪૪ પ્રાથમિક શાળાઓને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના હસ્તે વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે મતદારોને મતદાન મતદાન મથકોમાં પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવા માટે હવે જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગમાં સમાજ પ્રત્યે પોતાનું રૂણ અદા કરવા જાહેર તથા ખાનગી એકમો પણ આગળ આવ્યા છે. ત્યારે ઓ.એન.જી.સી. ખંભાતના સૌજન્યથી જિલ્લા ચૂંટણી તંત્ર અને ALIMCOના સહયોગથી ખંભાત વિધાનસભા મતવિભાગમાં આવતી ૧૪૪ પ્રાથમિક શાળાઓને વ્હીલચેરનું વિતરણ કરતાં આનંદની લાગણી અનુભવાય છે. તેમણે દિવ્યાંગો માટે આ નવીન કાર્ય હાથ ધરવા બદલ મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહને અભિનંદન પાઠવ્યા હતા તેમજ વ્હીલચેર માટે ઓએનજીસી સહિતના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહે આ વ્હીલચેર્સ મતદાનના દિવસે દિવ્યાંગ, વયોવૃદ્દ તેમજ અશક્ત મતદારોને મતદાન કરવામાં અને બાકી દિવસોએ શાળાના દિવ્યાંગ શિક્ષકો અને બાળકોને પણ ઉપયોગી બની રહેશે તેમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી, સીએસઆર હેઠળ સહભાગી થવા બદલ ઓએનજીસીના ખંભાત યુનિટનો, પ્રતિનિધિ, ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ પ્રત્યે આભારની લાગણી વ્ય્કત કરી હતી.
અત્ર ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર મતદારોને મતદાન વેળાએ કંઈ તકલીફ ન પડે અને તમામ મતદાન મથકોએ મતદારોને મતદાન માટે જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ મતદાન મથકોને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે.
આ કાર્યક્રમમાં ખંભાત મામલતદાર ડી.જે.જોશી, ઓએનજીસીના એસેટ મેનેજર એસ.એસ.શર્મા, એચઆર મેનેજર પ્રદીપ શાને, સીએસઆર મેનેજર શાહિલ નેગી તેમજ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી બંકીમચંદ્ર વ્યાસ સહિત પ્રાથમિક શાળાઓના આચાર્યઓ તથા શિક્ષકઓ ઉપસ્થિત રહ્યાં હતા.