હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે રંગોળી, મહેંદી સ્પર્ધા, બાઈક રેલી વગેરે કાર્યક્રમો યોજીને મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ મતદાન જાગૃતિ અભિયાનમાં માછીમારો, નાના-મોટા દુકાનદારો, ખેડૂતોથી લઈ વેપારીવર્ગ પણ સહભાગી બની રહ્યો છે.
આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાંબુર ગામના વતની અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા જાણિતા સામાજિક કાર્યકર્તા હીરબાઇ લોબીએ લોકશાહી પ્રક્રિયામાં સમાજ પણ આગળ આવે અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને ખરા અર્થમાં સાકાર કરે તે માટે અનુરોધ કર્યો છે.
હીરબાઈ લોબીએ વધુમાં જણાવ્યું હતું કે, “લોકશાહીમાં દેશના નાગરિકોનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. મતાધિકારના ઉપયોગ થકી જ લોકશાહી વધુ તંદુરસ્ત બની શકશે. નાગરિકોએ મતદાનના દિવસે તમામ કામો પડતા મૂકીને પણ મતદાન અચૂક કરવું જોઈએ. તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ પણ ઘરની બહાર નીકળે અને પુરુષ સાથે કદમથી કદમ મિલાવી અવશ્ય મતદાન કરે. ઉપરાંત જેમને પણ ૧૮ વર્ષ થઈ ગયાં છે અને પહેલીવાર જ મતદાનને લાયક થયા છે તેઓ પણ અચૂક મતદાન કરે. મતાધિકાર એ લોકશાહીએ આપણને આપેલી અમૂલ્ય ભેટ છે ત્યારે તેનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.