મતદાનના દિવસે હીટવેવની અસરને ધ્યાને લઈ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

    ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દીપક પરમારને હિટવેવ નોડલ ઓફિસર તરીકે જાહેર કર્યા છે.

ડો. દીપક પરમારના જણાવ્યા પ્રમાણે આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે ઓ.આર.એસ.ના પેકેટ મૂકવામાં આવશે, જેથી કોઈ મતદારને ગરમીની હિટવેવની અસરને કારણે કઈ તકલીફ થાય તો તરત જ પ્રાથમિક સુવિધા આપી શકાય. આ ઉપરાંત દરેક મતદાન મથક ખાતે ફર્સ્ટ એઈડ કીટ પણ મૂકવામાં આવશે અને ઇમરજન્સીમાં ૧૦૮ ની સેવા ઉપલબ્ધ રહેશે.

વધુમાં જે વ્યક્તિઓ એટલે કે મતદારો ગંભીર બિમારીમાંથી પસાર થઈ રહ્યા હોય કે જેમને બાયપાસ સર્જરી કરી હોય, સ્ટેન્ટ મૂક્યું હોય, ડાયાબિટીસ હોય, હાઈરિસ્કવાળા મતદારો હોય અથવા જે મહિલાઓને પ્રસુતિ થવાની હોય તેવા મતદારોએ સવારના સમયમાં મતદાન કરી લેવું જોઈએ કે જેથી તેમને બપોરના સમયમાં હીટ વેવની અસર ના થાય. આ ઉપરાંત આણંદ જિલ્લાના તમામ સીએચસી સેન્ટર અને પીએચસી સેન્ટરો ખાતે આરોગ્યની સેવાઓ ઇમર્જન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે અને ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર રહેશે.

ખાસ કરીને ઇવીએમ મશીન જે જગ્યાએથી મતદાન મથક ખાતે રવાના કરવામાં આવે છે અને પાછા જમા લેવામાં આવે છે તે ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર ખાતે પણ મેડિકલ ટીમ હાજર રહેશે અને ૧૦૮ ની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે તેમ ડોક્ટર પરમારે વધુમાં ઉમેર્યું હતું.

Related posts

Leave a Comment