હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા સુશ્રી રૂપલબેન બગદાણીયા કહે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર)નાં માધ્યમથી તેઓ હાલમાં પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર થયુ છે. સરકારશ્રીની આવાસ યોજનાની સહાયથી પાકું મકાન મળતા અમારા સામાજિક મોભામાં વધારો થયો છે.
ભાવનગરમાં પ્રાઇવેટ નોકરી કરી અને ધો.૧૦ અને ઘો.૧૨ માં અભ્યાસ કરતાં પોતાનાં બન્ને બાળકોની સારસંભાળની જવાબદારી સંભાળી રહેલ રૂપલબેન ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, છેલ્લા ઘણાં સમયથી તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા અને ભાડાનાં મકાનમાં તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ભાડાનાં મકાનમાં એક કરતા વધુ વર્ષ થાય ત્યારે મકાનમાલિક દ્વારા મકાન ખાલી કરી આપવા વગેરે જેવી બાબતોમાં ખૂબ જ તકલીફો વેઠવી પડતી હતી.
તેઓને સગાસંબંધીઓ દ્વારા સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળતાં તેઓએ આ યોજનામાં મકાન મેળવવા ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓને મકાન પ્રાપ્ત થતા આ યોજના અંતર્ગત કુલ છ હપ્તામાં તેઓને રૂ.૩,૨૫,૦૦૦ ની સહાય મળી છે.
સરકારની આ યોજના થકી તેઓને એક બેડરૂમ, હોલ, રસોડા, બાથરૂમ અને ટોયલેટની સુવિધાવાળું ઘર ઉપલબ્ધ થયું છે. તેઓ સામાન્ય વર્ગનાં પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ છે તેમ કહી તેઓએ આ યોજના માટે અમે સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.