ભાવનગર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાવતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજમદારોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે આશયથી ભાવનગર શહેરમાં જુદા જુદા ચાર કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો આજથી કાર્યરત કરવામાં આવ્યા છે. છે. જેને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શહેરના આર.ટી.ઓ. સર્કલ ખાતે ઉપસ્થિત રહી આ યોજનાના કેન્દ્રોની શરૂઆત કરાવી હતી.

ભાવનગર શહેરના મુખ્ય ચાર કડીયાનાકા આર.ટી.ઓ. ઓફિસની સામે, મોખડાજી સર્કલ પોલીસ ચોકીની બાજુમાં, ઘોઘા રોડ ૧૫૦ ફૂટ રિંગરોડ અને બોરડીગેટ પોલીસ ચોકી પાસે આ યોજના અંતર્ગત ભોજન માટેના બૂથ ઉભા કરવામાં આવેલ છે.

રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઇ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુસર આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ અપાય છે. શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ.પ/- માં ટોકન આપવામાં આવે છે. શ્રમિકને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે.

જે લાભાર્થીઓ પાસે ઇ-નિર્માણ કાર્ડ ન હોય તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે એક પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. સદર પોર્ટલ સી.એમ. ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈંટગ્રેશન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારિયા, શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સભ્ય સચિવ વી.આર. સક્સેના, ઇન્ચાર્જ બાંધકામ નિરિક્ષક નિકુંજભાઇ કડ સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યકમનું સંચાલન મિતુલ રાવલે કર્યુ હતુ.

Related posts

Leave a Comment