હિન્દ ન્યુઝ, નર્મદા
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ તાલુકા, જિલ્લા, નગર પાલિકા સહિત વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને યોગબોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવા સાથે ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડીના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાના બાળકો થકી ગામે ગામ રેલી યોજી યોગનો પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉમળકાભેર ભાગ લઈને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ભાગીદારી નોંધાવે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે. આજે શનિવારના રોજ સાગબારા તાલુકાની આદર્શ પ્રાથમિક શાળા રોઝદેવ, પ્રાથમિક શાળા દેવગામ, આશ્રમ શાળા મોટી બેડવાણ, વોરા પ્રાથમિક શાળા સહિત અન્ય શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા યોગને કેન્દ્રમાં રાખીને વિવિધ સૂત્રો લખેલા પોસ્ટર્સ સાથે ગામમાં રેલી યોજી યોગ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. સાથે સાથે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યઓ દ્વારા બાળકોને યોગનું મહત્વ સમજવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિની ધરોગર યોગને વૈશ્વિક ફલક પર લાવવા માટે આપેલા યોગદાન તથા વિશ્વ યોગ દિવસ અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુ સાથે શાળામાં શૈક્ષણિક સમય દરમિયાન યોગ અંગે નિબંધ લેખન, ચિત્રકલા, પ્લે કાર્ડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી યોગ દિવસની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.