પ્રાકૃતિક ખેતી માટેની યુ-ટ્યુબ ચેનલ થકી જેસર તાલુકાના યુવાને શરૂ કર્યો અદકેરો પ્રયાસ

પર્યાવરણ વિશેષ : Go Green Bhavnagar

હિન્દ ન્યુઝ, ભાવનગર

         પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે દરેક વ્યક્તિ કે સંસ્થાએ યથાયોગ્ય પ્રયાસો કરવા જરૂરી છે ત્યારે ભાવનગરના જેસર તાલુકાના ગામડાના યુવાનને એમ.એસ.સી.(એગ્રીકલ્ચર)ના અભ્યાસ કર્યા બાદ ખેતીમાં વધુ માત્રામાં આડેધડ ઉપયોગ થતાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગને લીધે આજે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે લોકોમાં પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન આવે અને તેનો પ્રચાર થાય એ હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુ-ટ્યુબ ચેનલ શરૂ કરીને એક અદકેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

વાત છે જેસર તાલુકાના જુના પાદર ગામને વતની શ્રી અજીતસિંહ ગોહિલની જેમને એમ.એસ.સી.(એગ્રીકલ્ચર) નો અભ્યાસ આણંદ એગ્રી. યુનિવર્સીટી માંથી કર્યા બાદ રાસાયણિક ખાતર વધુ ઉપયોગને લીધે ફેલાઈ રહેલા ઝેર અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં તેમણે આત્માની વખતો વખત થતી ટ્રેનિંગ લીધી અને પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અંગેનો પ્રયોગ કરીને લોકોને જાગૃત કરવાનો નિર્ણય કર્યો. 

આ અંગે શ્રી અજીતસિંહ ગોહિલ જણાવે છે કે યુ ટ્યૂબ ના માધ્યમ દ્વારા ગુજરાત ના ટોપ પ્રાકૃતિક ખેડૂતો ની સાફલ્ય ગાથા લાવી અને લોકો સરળતા થી સમજી શકે એવીરીતે પ્રેક્ટિકલ વસ્તુ સાથે લોકો સમક્ષ મૂકી છે જે જોઈને લોકો સરળતાથી સમજાવી શકાય છે આથી શ્રી અજીતસિંહને યુ-ટ્યુબ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો કે વધુ લોકો સુધી અને ખેડૂત જ પોતાના અનુભવો બીજા ખેડૂતને જણાવે તો અસરકારક રહે એ હેતુથી મોબાઈલ થી જ વિડીયો બનાવીને “માતૃભૂમિ નેચરલ વર્લ્ડ” નામે યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. આજ સુધી મા 150 વિડિઓ અપલોડ કર્યા જે માત્ર પ્રાકૃતિક કૃષિના અને 10,000 આસપાસ સબસ્ક્રાઇબર અને 5 લાખ આસપાસ વ્યુઅર્સ છે.ગુજરાત ના ઘણા ખેડૂતો એ આ યુ ટ્યૂબ વિડિઓ જોઈને પણ પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરેલ છે.

આ ચેનલ થકી પ્રાકૃતિક ખેતી અંગેના ખેડૂતના અનુભવો જ દેખાડવા એવું નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરતી વખતે આવતી મુશ્કેલીઓ, પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ, ખેતીવાડી અધિકારીઓના ઈન્ટરર્વ્યુ, જેવા અલગ અલગ વિડીયો બનાવીને લોક જાગૃતિ અંગેની મશાલ શરૂ કરી છે. 

અત્યાર સુધીમાં તેઓ ૧૫૦ થી વધુ વિડીયો બનાવી ચૂક્યા છે પ્રાકૃત્તિક ખેતીના વ્યાપ વધારવા સારૂ શરૂ કરેલ પ્રયાસને લીધે લોકોને માહિતી મળી રહી છે. 

 આજના વર્તમાન સમયમાં વધારે પડતા રાસાયણિક ખાતરો અને જતુંનાશક દવાઓના ઉપયોગથી લોકોના સ્વાસ્થ જોખમમાં મુકાયા છે. સ્વાસ્થની સાથે-સાથે પર્યાવરણીય અસંતુલનના કારણે ઋતુચક્રોમાં વિષમતા જોવા મળી રહી છે. આ પરીસ્થિતિના નિવારણ અર્થે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર પુરજોષમાં ચાલી રહ્યો છે ત્યારે આવનારો સમય પ્રાકૃતિક ખેતીનો જ હશે એવું એમનું સહજપણે માનવું છે. 

 ભાવનગર બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment