હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ૮ વર્ષમાં કુલ ૧૮૩૯૫ જેટલા મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ અને અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને ૪૦૪૫ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. મહિલા હેલ્પલાઇન ૧૮૧ “અભયમ”દ્વારા વર્ષ ૨૦૨૨માં ગીર સોમનાથમાં ૫૫૩થી વધારે પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૩૭૦ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૧૬૫ જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરાવેલ હતી.
જિલ્લામાં અનેક મહિલાઓને અભયમ ટીમ દ્વારા મદદ મળી છે ઉના તાલુકાની એક મહિલાની વાત કરવામાં આવે તો આ મહિલા ઘરેલુ હિંસાથી પીડિત હતી આ પીડિત મહિલા ઘરેલુ હિંસાથી કંટાળી ટ્રેન નીચે આવી જઈ આત્મહત્યા કરવાનો વિચાર કરતી હતી ત્યારે ૧૮૧ ટીમને જાણ થતાજ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સખી વેન સ્ટોપ સેન્ટર પર લઇ જવામાં આવી હતી તેમજ જિલ્લામાં કુશળ કાઉન્સિલિંગ થકી પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ દૂર કરાવવી, પતી- પત્ની વચ્ચે સમાધાન કરાવવા સહિતની અનેક મહિલાઓનાં અભયમ દ્વારા ઘર તૂટતાં બચાવાયા છે ટીમ અભયમના કારણે જિલ્લાની નારી નિર્ભિક બનીને અન્યાય વિરુદ્ધ આવાજ ઉઠાવતી થઈ છે.
૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા : આ ૧૮૧ હેલ્પલાઇન મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવામાં અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપવામાં આવે છે.તેમજ ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું અને મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાઓ અપાતી સેવાઓ : અભયમ હેલ્પલાઇન દ્વારા ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી તેમજ કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગૃહની મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથે જ સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
૧૮૧ અભયમ હેલ્પલાઇનથી કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે : આ અભયમ હેલ્પલાઇનથી મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો) તેમજ શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી તેમજ લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો તેમજ જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો તેમજ કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
તેમજ માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ) અને આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો સહિતની મદદ મળી શકે છે.
અભયમ એપ્લિકેશનની વિશેષતાઓ : અભયમ એપ્લિકેશન થકી સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઈનની મદદ મેળવી શકાશે.તેમજ મોબાઈલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઈ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે. તેમજ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલના નકશામાં લેટ લોંગ સાથે મળી જશે. આ એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતીમાં રહેલ મહિલાના ૫ જેટલા સગા સંબંધી કે મિત્રોને ઑટોમેટિક એસ.એમ.એસ. થી સંદેશ મળી જશે અને મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઈનના સેન્ટરમાં મોકલી શકશે. એપ્લીકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ જેમાં તેનું નામ, કોલનું સ્થળ, ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર પાસે નોંધાયેલ એડ્રેસ, એપ્લીકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રેસ એક સાથે હેલ્પલાઈન સેન્ટરમાં મળી જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની વિશેષતા એ છેકે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.