સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા ટ્રાન્સપોર્ટેશન યોજનાના સ્કૂલ વાહનચાલકોની તાલિમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

          મણીબહેન કોટક હાઈસ્કૂલ વેરાવળ ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એચ.કે.વાજાના અધ્યક્ષસ્થાને સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા વાહન ચાલક મિત્રોની તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલિમના મુખ્ય અતિથી આરટીઓ ઓફિસર યુવરાજસિંહ વાઘેલા રહ્યાં હતાં.

ગીર સોમનાથ જિલ્લાની ૧૨૫ શાળાઓમાં શરૂ ટ્રાન્સપોર્ટેશન યોજનાનો ૬૬૧૯ બાળકો લાભ લઈ રહ્યાં છે. આરટીઓ ઓફિસરએ તાલિમ દરમિયાન સ્કૂલ વાહન ચાલકોને બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો, ટ્રાફિક નિયમોના પાલન, વાહન ચાલકોના વાણી-વર્તન, વગેરે બાબતો વિશે ઉંડાણપૂર્વક સમજ આપી હતી.

આ તકે વેરાવળ બીઆરસી સંદિપભાઈ દ્વારા તમામનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ એચ.કે.વાજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકોનું મન ખૂબ જ કોમળ અને ચંચળ હોય છે. આ કારણે તેમને વાહનમાં બેઠક વ્યવસ્થા કઈ રીતે કરવી, સેફ્ટી બાબતો વિશે જણાવવું ઉપરાંત કેપેસિટી અનુસાર જ બાળકોને બેસાડવા જેવી બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

તાલિમ દરમિયાન રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી તેમજ સલામતીના ધોરણો, પારિવારિક અને સામાજિક દ્રષ્ટાંત અને પીપીટી દ્વારા માહિતી આપવામાં આવી હતી અને વાહનમાં પીયુસી, લાઈસન્સ, વાહનનું ફિટનેસ સર્ટિ વગેરે ડોક્યુમેન્ટ્સ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં સ્કૂલ વાહનચાલકોએ આ તાલિમનો લાભ લીધો હતો. તાલિમનું સફળ સંચાલન બ્લોક આર.પી પરેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment