રાજયના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભો સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા: પ્રજાની તમામ આશા-અપેક્ષાઓ પૂરી કરવાની નેમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. નાગરીકોની આશાઓ-અપેક્ષાઓનો અવાજ સાંભળી તેમની સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી આજે ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, સુશાસન અને ઈ-ગવર્નન્સ એ કોઈ વ્યકિતથી નહી પણ ટીમ સ્પીરીટ અને ટીમ વર્કથી જ આવી શકે છે. ગુજરાતમાં સરકારી અધિકારી-કર્મીઓમાં આજે કર્મયોગનો ભાવ જાગ્યો છે “મારું શું” અને “મારે શું” એ માનસિકતામાંથી હવે “મારું છે” અને “મારે જ કરવાનું છે”ની ભાવના વિકસી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની પણ અપેક્ષાઓ વધી છે ત્યારે નાના માણસોના કામ પણ સરળતાથી થાય અને સરકારી અધિકારી કર્મીઓ સારી રીતે સાંભળે એવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યું છે એટલે જ લોકોનો વિશ્વાસ આપણા પર વધ્યો છે. એને ટકાવી રાખવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે આપણે વધુને વધુ લોકોનો સંપર્ક કરીએ અને કચેરીએ આવતા સામાન્ય નાગરિકને સાંભળી જે કામ નીતિ નિયમોનુસાર ન થાય એવા હોય તેવા સંજોગોમાં ઉપરી અધિકારીનો સંપર્ક કરાવી એનો વિશ્વાસ સરકાર પ્રત્યે જળવાઈ રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

તેમણે ઉમેર્યું કે,રાજય સરકાર દ્વારા બજેટમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આવકનો સ્ત્રોત પણ આપણે વધારવો પડશે. પણ એ કેવી રીતે વધે એ માટે તમામ વિભાગોએ પણ સઘન આયોજન કરવું પડશે. એટલુંજ નહીં,જૂના આયોજનોના ખર્ચમાંથી બચત કેવી રીતે થાય એ પણ ધ્યાને લેવા સૌને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી એ ઉમેર્યું કે નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલા પ્રો-પીપલ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સના ગુજરાત મોડેલ પર સતત બે દાયકા કરતાં વધુ સમયથી લોકો નિરંતર વિશ્વાસ મૂકતા આવ્યા છે. ગુજરાતની ૨૦ વર્ષની અવિરત વિકાસ યાત્રાની સફળતાના પાયામાં પણ સુશાસન જ રહેલું છે. નરેન્દ્રભાઈએ નાખેલા મજબૂત પાયાનું જ આ પરિણામ છે કે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં પણ ગુજરાત દેશમાં અગ્રણી રહ્યું છે. આ સુશાસનને પરિણામે જ રાજ્યની જનતાએ ફરી એકવાર અટલજી અને મોદીજીએ કંડારેલા પથ ઉપર ચાલતી ભાજપા સરકારને જંગી બહુમતીથી જનસેવાની વધુ એક તક આપી છે.

મુખ્યમંત્રી શ્રી પટેલે ગુડ ગવર્નન્સ ના ઇનિશીએટીવના ભાગરૂપે આજે મહિલા અને બાળકલ્યાણ વિભાગની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે,આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓના વ્યક્તિગત લાભાર્થીઓ માટે,મહેસુલ વિભાગમાં સ્ટેમ્પ-ડ્યુટી અને દસ્તાવેજ નોંધણી માટેની ઓનલાઈન અરજીઓ સહિત વિવિધ વિભાગોના ૧૨ જેટલા વેબ-પોર્ટલ લોન્ચ કર્યા છે. જેના દ્વારા વિભાગની કામગીરી વધુ સુદૃઢ બનતાની સાથે પારદર્શિતા અને ઝડપ આવશે તથા લોકોને યોજનાઓના લાભ મેળવવામાં સરળતા થવાથી કચેરીઓમાં જવાની જરૂર પણ નહીં રહે.

સુશાસન દિવસ નિમિત્તે રાજ્યના સચિવઓ, સરકારી વિભાગના વિવિધ અધિકારીઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે હવે જિલ્લાએ નાગરિકોને સુશાસનની અનુભૂતિ કરાવવાની સાથે સાથે જિલ્લાનું આર્થિક યોગદાન વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. દરેક જિલ્લાએ પોતાનો જીડીપી દર વધારવા વાણિજ્યને પ્રોત્સાહન આપવું તેમજ નાગરિકોની આર્થિક-સામાજિક સુખાકારી વધે તે માટે પ્રાથમિકતા આપવી એ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન બની રહેશે.

મુખ્ય સચિવ એ વધુમાં કહ્યું હતું કે, તમામ જિલ્લાએ પોતાને ‘રિએલાઈમેન્ટ’ કરી વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરવું પડશે. દેશમાં સ્વતંત્રતના સમયથી જિલ્લાની ગણના માત્ર વહીવટી એકમ તરીકે થતી હતી, જેને હવે બદલીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અર્થતંત્રના એકમ તરીકે કાર્ય કરવાની જરૂર છે. જિલ્લાએ પોતે જ એન્ટિસિપેટીંગ ગવર્નન્સનું ઉદાહરણ પૂરું પાડવાનું છે. આ માટે પોતાના જિલ્લામાં જેવો વિકાસ જોવા માંગતા હોય તે દિશામાં લક્ષ્યાંકો નિર્ધારિત કરી તેને હાંસલ કરવા પ્રયાસો કરવા જોઈએ.

તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીને અનુરોધ કરતા કહ્યું હતું કે, પ્રજા અને સરકાર વચ્ચેનો સંવાદ અસરકારક બને તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ માટે ગામડાઓના ક્લસ્ટર બનાવીને દર પંદર દિવસે રાત્રિ સભાઓનું આયોજન કરી લોકોના પ્રશ્નો-પ્રતિભાવો રૂબરૂ સાંભળવાની નિયમિત વ્યવસ્થા કરવા તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ના વરદ્ હસ્તે વર્ષ ૨૦૧૭-૧૮ તથા વર્ષ ૨૦૧૮-૧૯માં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સુશાસનની દિશામાં કરાયેલી શ્રેષ્ઠ કામગીરીઓ અંગેના પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું.

આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન સામાન્ય વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ સહિત તમામ વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓ તથા જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં સ્પીપાના ડાયરેક્ટર જનરલ આર. સી. મીણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે વહીવટી સુધારણા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ આભારવિધિ કરી હતી

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment