હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર તના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખુબ જ ધ્વનિ પ્રદુષણ પેદા થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા તથા પ્રચાર દરમ્યાન અનિયંત્રીત અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા ગીર સોમનાથના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું છે.
જે અંતર્ગત સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારી તરફથી શરતોને આધિન પાલન કરવાનું રહેશે. કોઇપણ પ્રકારના સ્થાયી અથવા વાહન પર લગાડેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૬:૦૦ કલાક થી રાતના ૧૦:૦૦ ક્લાક સુધી જ થઈ શકશે.
પરવાનગી મળેલ હોય છતા પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ, દવાખાના આવેલા હોય તે કચેરીઓની કામગીરીમાં દખલ ન થાય તે રીતે ધીમા અવાજે વગાડવાના રહેશે. ઉપરાંત ફરતા વાહન પર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આવા વાહન ચૂંટણી પ્રચારના હેતુ સબબ સંબધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી પરમીટ/રજીસ્ટ્રેશન વગર ઉપયોગ કરી શકશે નહીં. મોટર વ્હીકલ એક્ટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવવાની રહેશે.
જે અનુસાર લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધન,વાહન કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઇપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમ્યાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંધન કરનાર સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.આ હુકમનો અમલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી કરવાનો રહેશે.