હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે. આ ચૂંટણી પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મિલકતને નુકસાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરેના ઉપયોગ પર નિયંત્રણ માટે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ અંતર્ગત જાહેરાત, પાટીયા, બેનર્સ, કટઆઉટ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે અંતર્ગત જાહેર મિલકત/જાહેર જગ્યા પર દિવાલ પર લખાણ કરવા, પોસ્ટર્સ તેમજ કાગળો ચોંટાડવા અથવા કોઈપણ રીતે નુકસાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં, છતાં સ્થાનિક કાયદાઓ અને ચૂકવણી કરી અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ નક્કી કરવામાં આવેલ જાહેર સ્થળે સૂત્રો લખવાની, પોસ્ટર્સ વગેરે પ્રદર્શિત કરવાની લખાણ, પાટિયા, ઝંડા છૂટ હોય તો પ્રસ્તુત જોગવાઈઓને આધિન રહી રજા આપવી. તમામ પક્ષો અને ઉમેદવારોને આ બાબતમાં સમાન તક આપવાની રહેશે.
વધુમાં ચૂંટણી જાહેર કર્યા પછી આ હેતુ માટે આપવામાં આવેલી જગ્યાનો વિસ્તાર વધારવો કે ઘટાડવો નહીં. જાહેર મિલકત અંગે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર તથા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરી ચૂંટણીલક્ષી કટઆઉટ જાહેરાત, પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરશે તો ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ની કલમ-૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું હુકમ બહાર પાડ્યાથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.