હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ સંકલન અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરએ સૌ અધિકારીઓને સિંગવડ તાલુકા ખાતે યોજાનાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ અન્વયે થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
આ દરમ્યાન કલેક્ટરએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુપેરે નિભાવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સુનિશ્ચિત થાય તે માટે સંકલન સમિતિ, સ્ટેજ કમિટી, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થા, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પંખા-કુલર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને સુવિધા બંને બાબતોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સુચન કરતા જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ પૂર્વ આયોજન સાથે સુનિશ્ચિત કરી કામગીરી કરવા ઉપર ભાર મુક્યો હતો. આ સાથે અન્ય વિવિધ વિભાગોની પણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરી સહિત સૌ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

