સરકારની યોજનાઓનો લાભ લઇને લોકો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે – રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા

હિન્દ ન્યુઝ, બોટાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લામાં આગામી ૩ દિવસમાં ૨૩,૦૦૦ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરાશે.

આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ અનેક લોકો નાણાંનો ખર્ચ કરવા સક્ષમ ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હતા. પરંતુ હવે લોકો સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લઇને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે. આજે વિવિધ લોકઉપયોગી યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગને લાભ મળી રહ્યો છે. આ સાથે જ મંત્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાના તમામ દેશોમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. વિદેશોમાં ભારતના નામનો ડંકો વાગે છે.મહાસત્તાઓ હવે ભારતને અનુસરે છે.

કાર્યક્રમમાં સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના કરોડો લોકો આયુષ્માન યોજનાનો લાભ લઇ રહ્યા છે. આપણે સૌએ આપણી આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકોને આયુષ્માનકાર્ડ કઢાવવા માટે મદદ કરવી જોઈએ. વધુમાં સાંસદએ ઉમેર્યું કે, અત્યારે એકપણ ક્ષેત્ર એવું નથી જેમાં વિકાસ ન થયો હોય. દેશના કોઈપણ છેડે રહેતા માણસના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન અને ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદના કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મુખ્ય જિલ્લા અધિકારી રંગુનવાલા સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment