વડાપ્રધાનના રોડ-શો ના માર્ગ તથા સભા સ્થળની સુરક્ષા અને તૈયારીઓનું નિરીક્ષણ કરતાં શિક્ષણ મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

        ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારી રહ્યાં છે. વડાપ્રધાન ભાવનગરમાં જંગી મેદનીને સંબોધવાના છે. આ ઉપરાંત તેઓ એક રોડ- શોમાં પણ કરવાના છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે બપોરે મહિલા કોલેજ થી રૂપાણી સર્કલ સુધી વડાપ્રધાનના રોડ- શો ના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા તેમજ વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. બંન્ને મંત્રીઓ રોડ પર આવતાં વિવિધ સર્કલો ખાતે શહેરમાં વડાપ્રધાનને જોવાં અને સાંભળવાં આવનાર લોકોની વ્યવસ્થા, વિવિધ સજાવટ, પરંપરાગત રીતે સ્વાગત, વિવિધ મંડળીઓ દ્વારા રાસ- ગરબા વગેરેની તૈયારીઓનું નીરિક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ બંન્ને મંત્રીઓએ જ્યાં વડાપ્રધાનની સભા યોજાવાની છે તે જવાહર મેદાન ખાતે જઇને વિવિધ તૈયારીઓ જેવી કે, પાર્કિગ, સભાસ્થળ ખાતે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, વી.આઇ.પી. અને વી.વી.આઇ.પી. વ્યવસ્થા સહિતની તૈયારીઓની સ્થળ પર જ સમીક્ષા કરી હતી. તેમની આ મુલાકાતમાં તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષ મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષ ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment