બાળકના પોષણનો આધાર,માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર

હિન્દ ન્યુઝ, બોટાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૮થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન જાગૃતિ માટે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવે છે.મા અને બાળક વચ્ચેનો સેતુ બાળકનાં જન્મ પહેલાં જ બંધાયેલો હોય છે. જીવનના પ્રથમ વર્ષમાં પ્રેમ, હૂંફ, સુરક્ષા અને આરામ આ બધું જ બાળક માની ગોદમાં મેળવે છે. નવજાત બાળક માટે માતાનું દૂધ અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે

આજે આપણે વાત કરીશું શીશુ માટે માતાના દૂધનું શું મહત્વ છે ?

 જે રીતે એક છોડના જતન માટે તેને નિયમિત સુર્ય પ્રકાશ અને પાણીની વિશેષ જરૂરિયાત રહે છે તે જ રીતે બાળક માટે જન્મથી જ માતાનું દૂધ અમૃત સમાન હોય છે.

નવજાત શીશુને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન, અને છ માસ બાદ સમયસર ઉપરી આહાર આપવામાં આવે તો બાળકની તંદુરસ્તીમાં વધારો થઈ શકે છે. બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ (કોલસ્ટ્રોમ) અતિ આવશ્યક હોય છે. જે નવજાતને રોગ પ્રતિકારક શક્તિ આપે છે તેમજ બાળકને ૬ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવુ જોઈએ. બાળકોને ૬ માસ પુરા થતાં સ્તનપાન સાથે ઘરે ઉપલબ્ધ પૌષ્ટિક, નરમ ખોરાક અને પોચા ખોરાકની શરૂઆત કરાવવી જોઈએ.

સ્તનપાન શા માટે જરૂરી છે?

માતાના દૂધમાં એન્ટીબોડી હોય છે જે બાળકને વાયરસ અને બેક્ટીરિયા સામે લડવામાં મદદ કરે છે. સ્તનપાન કરવાથી બાળકમાં અસ્થમા અને એલર્જીનું જોખમ પણ ઓછુ રહે છે. બાળકોને છ મહિના સુધી સ્તનપાન કરાવવામાં આવે તો સંક્રમણ, શ્વાસને સંબંધિત બીમારીઓ અને ડાયેરિયાના લક્ષણો ઓછા જોવા મળે છે.

WHO અનુસાર સ્તનપાન બાળકોની સાથે સાથે માતાઓ માટે પણ લાભદાયી છે. બાળકને સ્તનપાન કરાવવાથી માતાઓમાં સ્તન કેન્સર, ટાઈપ 2 ડાયાબિટીસ અને હ્રદય રોગનું જોખમ ઓછું થઈ જાય છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment