સંવેદનશીલ, સુઆયોજિત અને સુગમ્ય અભિગમ થકી દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે નવતર પહેલ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદમાં ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન કરતા મેરામણભાઈ ચાવડાના પરિવારમાં તેમના સિવાય તમામ સભ્યો મનો દિવ્યાંગ છે. તનતોડ મહેનત અને રાતદિવસ એક કરીને પરિવારનો ખર્ચ ઉઠાવતા મેરામણભાઈની પાંચેય દીકરીઓ અને પત્ની પણ મનો દિવ્યાંગ છે. રાણીબેન, હેતલ, હંસા, પાયલ, શિતલ અને મિતલની સારવાર તેમજ અન્ય ખર્ચને કઈ રીતે પહોંચી વળવું તે મેરામણભાઈ માટે સૌથી મોટો પ્રશ્ન હતો.

બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે. બોટાદ સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.એસ.શાહના જણાવ્યા પ્રમાણે સરકારની બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના અંતર્ગત ૫૦ ટકા મનો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતા લોકોને પણ પેંશનનો લાભ મળશે. આ ધોરણ અગાઉ ૭૫ ટકા હતું.તા.૨૧-૦૪-૨૦૨૨ના રોજ સરકારશ્રીએ કરેલો ઠરાવ મેરામણભાઈના પરિવાર માટે તેમજ અનેક મનો દિવ્યાંગો અને તેમના પરિવારો માટે આશીર્વાદ બનીને આવ્યો છે.

મેરામણભાઈના પત્ની તેમજ પાંચેય મનો દિવ્યાંગ દીકરીઓને પ્રતિ માસ રૂપિયા એક-એક હજારની સહાય મળતી શરૂ થશે. તેના થકી દર મહિને 6 હજારની સહાય મળતા તેઓ પોતાના પરિવારનું ગુજરાન પણ સારી રીતે ચલાવી શકશે અને દીકરીઓને સારવારને લગતો ખર્ચ પણ ઉઠાવી શકશે. સહાય મળતા મેરામણભાઈ સરકારનો આભાર માનતા જણાવે છે કે હવે તેમની આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે.દીકરીઓની સારસંભાળ સારી રીતે થઈ શકશે.તેમના પરિવાર માટે આ સહાય વૃદ્ધાવસ્થાના ટેકા સમાન સાબિત થશે.

ગુજરાત સરકારે અને ભારત સરકારે સમાજના દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે મહત્તમ લોકોને આવરી લીધા છે.સરકાર દરેક નાગરિકની ચિંતા કરીને તેમના સાથીની ભૂમિકા ભજવી રહી છે. સમાજના દરેક વર્ગ ખેડૂત,સ્ત્રીઓ, બાળકો, શ્રમિકો હોય કે પછી દિવ્યાંગો.તમામ લોકોની ચિંતા કરી સરકારશ્રીએ અનેક યોજનાઓને આકાર આપ્યો છે સાથોસાથ સમયાંતરે તેમા લોકોના હિતમાં ફેરફારો પણ કર્યા છે. સરકારની આવી જ એક યોજના અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા ‘મનો દિવ્યાંગ’ લોકોને પેન્શન આપવામાં આવે છે.

 

Related posts

Leave a Comment