મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર લોકોને સુવિધાઓ મળે અને જનસુખાકારી જળવાઈ રહે તે માટે અવિરત કામ કરી રહી છે

હિન્દ ન્યુઝ, બોટાદ

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના અને જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને આજે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનo નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશે માત્ર આઠ વર્ષના ખુબ જ ટૂંકા ગાળામાં એક આગવી ઓળખ ઉભી કરવાની સાથે અનેકવિધ ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાનની આત્મનિર્ભર ભારતની વિભાવનાઓને સાકાર કરવા તેમજ ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર લોકોને સુવિધાઓ મળે અને જનસુખાકારી જળવાઈ રહે તે માટે અવિરત કામ કરી રહી છે તેમ ઉમેર્યું હતું.

વધુમાં મંત્રી મોરડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોના પોતાના ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. શહેરી અને ગ્રામિણ વિસ્તારના બહેનોને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ પુરા પાડીને ધુમાડાથી મુક્તિ મળવાથી શરીરની તંદુરસ્તી પણ જળવાય છે. સ્વચ્છ ભારત મિશન, નળ સે જળ યોજના,કિસાન સન્માન નિધી યોજના સહિત વિવિધ પ્રકારની કેન્દ્રિય અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભો અંતરિયાળ અને છેવાડાના લોકો સુધી પહોંચ્યાં છે જેના લીધે લોકો સ્વનિર્ભર બનાવવાની સાથે આત્મિર્ભર પણ બન્યાં છે. સરકારની વિવિધ યોજનાઓની સહાય લાભાર્થીઓના ખાતામાં સીધા જ જમા કરાવીને વચેટીયા પ્રથા નાબૂદ કરી હોવાનું મોરડીયાએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘ દ્રષ્ટીના કારણે જ કોરોનાની મહામારી દરમિયાન ભારત દેશના વૈજ્ઞાનિકોએ કોવિડ-૧૯ ની રસીનું ઉત્પાદન પણ જાતે જ કરીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેની સાથોસાથ અન્ય દેશોને પણ રસી પુરી પાડીને માનવતા પણ દાખવી હોવાનું મંત્રી મોરડીયાએ ઉમેર્યું હતું. સરકારશ્રીની યોજનાઓના લાભો લઇને આત્મનિર્ભર બનવા મંત્રી મોરડીયાએ હિમાયત કરી હતી.

બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે સર્વાંગી વિકાસ દ્વારા અનેક નવી ઉપલબ્ધિઓ મેળવી છે. નર્મદાના નીર પ્રધાનમંત્રીએ છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચાડીને ખેડૂતો, મજૂરો, વેપારીઓની આવકમાં પણ વધારો થવાની સાથે અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાં લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડતું હતું તે અટકશે અને અને ઘર આંગણે જ રોજગારી મેળવી શકશે તેવો દ્રઢ વિશ્વાસ પટેલે વ્યક્ત કર્યો હતો.

ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમારે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળી રહ્યાં છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગરીબ કલ્યાણ મેળાઓ પણ ગરીબ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓ માટે ખૂબ જ આશિર્વાદરૂપ બની રહ્યાં હોવાનું જણાવ્યું હતું. વધુમાં પરમારે કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોની સરકારે ચિંતા કરીને સહાય પણ પુરી પાડવામાં આવી હોવાનું પરમારે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરકારની ૯ યોજના હેઠળ વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. જિલ્લા આયોજન કચેરી દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ ની ગ્રાન્ટ હેઠળ વિકાસશીલ તાલુકો બરવાળાનાં કુલ-૧૧ ગામોમાં રકમ રૂા. ૬૩.૮૪ લાખના ખર્ચે પીવાના પાણીના કુલ-૧૧ કામોની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો વહીવટી મંજૂરીનો હુકમ અર્પણ કરાશે. તેવી જ રીતે, ચોકડી ગ્રામ પંચાયતના આયોજન, એટીવિટી અને નાણાપંચ હેઠળ રૂા. ૧૭.૮૦ લાખના ખર્ચે કુલ-૬ કામો, રામપરા ગ્રામ પંચાયતના રૂા.૩૧.૧૦ લાખના ખર્ચે કુલ-૧૭ કામો, કાપડીયાળી ગ્રામ પંચાયતના રૂા. ૧૯.૧૦ લાખના ખર્ચે કુલ-૧૧ કામો, ભીમનાથ ગ્રામ પંચાયતના રૂા. ૨૬.૧૦ લાખનાં ખર્ચે કુલ-૧૧ કામો અને ઢાઢોદર ગ્રામ પંચાયતના રૂા. ૫ લાખના ખર્ચે કુલ-૦૩ કામોનાં પ્રતિકાત્મક વર્ક ઓર્ડર પણ વિતરણ કરાયાં હતા.

પ્રારંભમાં જિલ્લા કલેક્ટર બી.એ.શાહે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ આભારદર્શન કર્યું હતું.

આ જિલ્લાના અગ્રણી રઘુભાઇ હુંબલ, ભીખુભાઇ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ, લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Related posts

Leave a Comment