ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવારનું સન્માન

હિન્દ ન્યુઝ, ભાવનગર

          તાજેતરમાં જ ભાવનગર શહેરની સ્થાપનાને ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ કરવાં પર ભાવનગર શહેરમાં બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટિકા ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોની ઉજવણીમાં ભાવનગરનો રાજવી પરિવાર પણ જોડાયો હતો. ભાવનગરની સ્થાપના અખાત્રીજના દિવસે થઇ હતી. આ જ દિવસે શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષઃ ૨૦૧૫ થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે. તેનું ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ભાણગઢ ગામમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાને ધ્યાનમાં લઇને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ૨૮૦ સભ્યોની ટીમ ધરાવતી આ સંસ્થા ઉચ્ચ અધિકારીઓ, પ્રોફેસરો, શિક્ષકો, સાહિત્યકારો, કલાકારો ચિત્રકારોની બનેલી છે. તેમાં આંગણવાડી કાર્યકર થી આશાવર્કર સુધીના સામાન્ય લોકો પણ જોડાયેલાં છે. આ ટીમમાં અમેરિકાથી માંડીને ગામડા સુધીના સભ્યો છેલ્લાં સાત વર્ષમાં ભાવનગર ખાતે વિવિધ વ્યક્તિઓને રૂા. ૧૦ લાખ ની સખાવત વિવિધ માધ્યમોથી યોગ્ય વ્યક્તિને કરી ચૂકી છે. આ સંસ્થા દ્વારા શિહોર તાલુકાના સોનગઢ ગામને ગામને સેવા કાર્ય માટે દત્તક લેવામાં આવેલું છે. જે અંતર્ગત દર વર્ષે વિધવા બહેનોને કરિયાણાની કીટ, બાળકોને શૈક્ષણિક ચીજવસ્તુઓ તેમજ પર્યાવરણ માટે વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવે છે. આ અગાઉ નિજાનંદ પરિવારનું અનેક સંસ્થાઓ દ્વારા સન્માન થયેલું છે. ઉલ્લેખનીય છે કે, નિજાનંદ પરિવારમાં કોઈ પ્રમુખ નથી. નિજાનંદ પરિવાર વતી આ સન્માન નિજાનંદ પરિવાર સંસ્થાના અનિલભાઈ પંડિતે આ સન્માન સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સંતોના આશીર્વાદથી આ સંસ્થા ફક્ત સમાજના સારા કાર્યો કરવાં માટે વરેલી છે. સમાજના નબળાં અને જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થઇ તેમને પગભર કરવો તે અમારી સંસ્થાનો ધ્યેય છે. આવાં સન્માનથી અમારી સમાજ પ્રત્યેની જવાબદારી વધે છે અને ઈશ્વરને પ્રાર્થના છે કે, વધુને વધુ લોકોના મુસ્કાનનું કારણ બની શકીએ. આ પ્રસંગે આભારવિધિ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકીએ કરી હતી. આ પ્રસંગે સંતશ્રી હરિશરણદાસજી બાપુ, જીણારામ બાપુ, નરેશભાઈ સાંગા, ડો. આર. જી. યાદવ, નરેશભાઈ ડાંગર તથા મોટી સંખ્યામાં શિક્ષણવિદો અને ગ્રામજનો ઉપૃસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment