CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ : રૂ. ૨૬.૯૬ લાખના ખર્ચે તળાવનું નવીનીકરણ થશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ જિલ્લાને નીત નવી સુલભ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લા કલેક્ટરના અથાક પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ જશવંતસિંઘના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે રૂા.૨૬.૯૬ લાખ મંજૂર કરાયાં છે. જે કામનું ગત તા.૧૯ મી માર્ચે વિધિવત પ્રારંભ કરાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાના કામની સાથે તળાવમાંથી કાઢવામાં આવતી માટી થકી તળાવના ચારેય બાજુની પાળીઓ બનાવી તળાવના મજબૂતીકરણ માટે ઉપયોગી બની રહેશે. તળાવ પર બાકડા, તળાવની પાળ ઉપર વૃક્ષારોપણ સહિતની અલાયદી સુવિધાઓ સાથે તળાવનું નવીનીકરણ થશે. અંદાજે આ તળાવમાં ૩૫,૮૦૦ હજાર ક્યુબીક મીટર પાણીની વૃધ્ધિ થવાથી જળ સંગ્રહ શક્તિમાં પણ વધારો થશે. તેની સાથે આ કામો દ્વારા જળ સંચયનો વ્યાપ વધશે જેનાથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે. પાણીનો બગાડ ઘટવાની સાથોસાથ સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ બનશે અને ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ પણ લોકોને મળી રહેશે.

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરી JCB મશીન દ્વારા પુરજોરમાં ચાલી રહી છે. આ તળાવ પાસેની પાળીને કાપી તળાવ ઉંડુ કરવાથી પાણીનો ભરાવો પણ વધશે અને તેનાથી આજુબાજુના ખેતીકરતા ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે. આ કામ અંદાજીત તા.૩૧ મી મે,૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરાશે. લાછરસ ગામે ગામ તળાવ ઉંડુ કરવાની હાથ ધરાયેલ કામગીરીમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ કરજણ સિંચાઇ યોજનાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એ.એસ.ઠક્કર અને પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.બી.કટારાના સઘન પ્રયાસોને આખરે સફળતા સાંપડી છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

 

Related posts

Leave a Comment