૧૦મો ખેલમહાકુંભ-૨૦૨૨, રાજ્યના યુવાધનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ એક મહત્વનુ માધ્યમ

હિન્દ ન્યુઝ, સુરત

          રમતગમત ક્ષેત્રે છૂપાયેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશને સારા ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે, પરંતુ કોરોનાના ગ્રહણથી અગાઉના ખેલમહાકુંભને સ્થગિત કરવો પડ્યો હતો. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્યસરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા ‘૧૫મો ખેલમહાકુંભ-૨૦૨૨’ નું ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રજિસ્ટ્રેશન ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરી ભાગ લેવા માટે સમગ્ર સુરત શહેર-જિલ્લાના ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં આયોજિત ખેલમહાકુંભમાં ૨૨ રમતો હતી, જ્યારે આ વર્ષે ૨૯ રમતો સામેલ કરાઈ છે. વર્ષ ૨૦૧૯ માં સુરતના સેન્ટ્રલ, કતારગામ, અમરોલી, વરાછા, લિંબાયત, ઉધના, અઠવા, ડુમસ અને રાંદેર ઝોનમાં શાળા, ઝોન અને મહાનગરપાલિકા કક્ષામાં અનુક્રમે એથ્લેટીક્સ, ચેસ, કબડ્ડી, વોલિબોલ, ખોખો, યોગસન, રસ્સાખેંચ, સ્વિમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, ટેકવેન્ડો, આર્ચરી, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, લોનટેનિસ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, હોકી, ફુટબોલ, શુટીંગ બોલ અને કરાટે મળીને કુલ ૨૨ રમતો માટે સમગ્ર સુરત જિલ્લામાંથી ૧,૭૮,૬૦૫ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૪૭,૫૫૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૩૩૦૦ રમતવીરોએ વિવિધ મેડલો હાંસલ કર્યા હતાં. આ ઉપરાંત રૂ.૭૩,૪૪,૬૫૦ લાખના ઈનામો પણ મેળવ્યા હતા. ખેલમહાકુંભમાં અન્ડર-૯, અન્ડર-૧૪, અન્ડર-૧૭ તથા ઓપન એઈજ સિનીયર ગ્રુપમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગ્રામીણ વિસ્તારના રમતવીરો પોતાની ગ્રામપંચાયત ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની શાળા-કોલેજમાં પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા રમત ગમતની કચેરીનો સંપર્ક કરી શકાય છે.

ખેલમહાકુંભની વિશેષતા એ છે કે, અહીં દરેક સ્પર્ધામાં હારજીતને નહીં, પણ ખેલદિલીની ભાવનાને મહત્વ આપવામાં આવે છે, એટલે જ ખેલાડીઓની રમતગમત કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આ રમતોત્સવ આશીર્વાદરૂપ બન્યો છે. નોંધનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિસરાતી જતી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા તેમજ શાળા, કોલેજની યુવાપ્રતિભાઓ-રમતવીરો ખેલકૂદના માધ્યમથી સ્વસ્થ રહે અને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં રાજ્યનું નામ રોશન કરી તેવા આશય સાથે ખેલમહાકુંભ રમતોત્સવનો પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે એક સમયે ગુજરાતના લોકોની વેપારી અને દાળભાત ખાનારી પ્રજા તરીકેની જે માન્યતા હતી તે હવે ભૂંસાઈ ગઈ છે. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. રાજ્યના રમતવીરોને પ્રોત્સાહનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ મળી તે માટે રાજ્ય સરકારે શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પોતાનુ મુકામ બનાવ્યો છે. રાજ્યના યુવાધનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ એક મહત્વનુ માધ્યમ બન્યું છે. દરેક નાગરિક નાનપણથી જ રમત પ્રત્યે આકર્ષાય, શારીરિક સાથે માનસિક શક્તિને ખિલવે અને ચુસ્ત-દુરસ્ત રહે તેવી પણ સરકારની ભાવના આ ખેલમહાકુંભ પાછળ રહેલી છે.

Related posts

Leave a Comment