તા.૨પ ફેબ્રુઆરીના રોજ ભરૂચ ખાતે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભરૂચ

       આગામી તા. ૨પ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ ભરૂચમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારુ અને યોગ્ય આયોજન અંગે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ના અધ્યક્ષ અને કલેક્ટર તુષાર સુમેરાએ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, ગરીબોને મળતા લાભો એકમંચ પરથી તેમને સીધા જ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લાની તમામ કચેરીઓએ પોતાના વિભાગની યોજનાના લાભાર્થીની યાદી તૈયાર કરી તેની ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરી લાભો આપવા તેમણે જણાવ્યું હતુ. રાજ્ય સરકારના ગરીબી નિવારણ માટેના મહત્વના પગલાં સમાન ગરીબ કલ્યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને સીધા હાથો હાથ લાભ આપવામાં આવે છે ત્યારે પાત્રતા ધરાવતા મહત્તમ લાભાર્થીઓ ગરીબ કલ્યાણ મેળામાં આવી લાભો મેળવે તેનું ઝીંણવટપૂર્વક આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. કલેકટરએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી લાભાર્થીઓ સંબંધી તમામ વિગતોની જાણકારી મેળવી હતી. દરેક અમલીકરણ અધિકારીઓ ખાસ રસ લઈ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડવા માઇક્રોપ્લાનીંગ કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી તેમને મદદરૂપ બનીએ. આ ઉપરાંત મેળાના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, મંડપ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, ડોકયુમેન્ટેશન, પાણી અને સેનિટેશનની વ્યવસ્થા વગેરે બાબતોએ પણ ઝીણવટપૂર્વક ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment