હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે પશુઓના પોષણ, સંવર્ધન, આરોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે આજે પશુપાલકો પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય તરીકે પસંદ કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ગોંડલના ગો દર્શન ટ્રસ્ટ તથા રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ‘‘ગોદર્શન ગાઇડ’’ વિશેષાંકનું વિમોચન કરતાં મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે ‘‘ગોદર્શન ગાઇડ’’ નું માસિક છેલ્લા 35 વર્ષથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને દૂધનું ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો તથા ખેતી પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ, ગૌશાળાઓ, પાંજરાપોળોને અનુલક્ષીને તાંત્રિક વ્યવહારુ અને ઉપયોગી લેખો સરળ ભાષામાં તૈયાર કરાયા છે જે પશુપાલકો માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડશે. મંત્રીએ ઉમેર્યું કે ગોદર્શન ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ગાય ઉછેર, સંવર્ધન, ગાયોની સારી જાતો જતન માટે રાજ્યમાં શ્રેષ્ઠ પ્રયાસ થાય છે. સાથે સાથે અશ્વ ઉછેરનું પણ કામ ભારતભરમાં શ્રેષ્ઠ રીતે આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે પશુ આરોગ્ય- પશુ સંવર્ધન અને વિસ્તરણ સેવાનો લાભ પશુપાલકોને ગામ બેઠા મળી રહે એ માટે વર્ષ ૨૦૦૨-૨૦૦૩થી રાજ્યવ્યાપી પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં પશુઓને આરોગ્યલક્ષી સારવાર, કૃત્રિમ બીજદાન, ખસીકર અને રસીકરણની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ઉપરાંત પશુપાલકોને ગામ બેઠા પશુસારવાર સેવાઓ મળી રહે એ માટે દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના હેઠળ રાજ્યભરમાં ૪૬૦ ફરતા પશુ દવાખાનાઓ કાર્યરત છે. જે ૩૬૫ દિવસ જાહેર રજા સિવાય સેવાઓ આપે છે. તેમણે ઉમેર્યું કે આકસ્મિક પશુ સારવાર તથા માલિક વિહોણા પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા ૩૭ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. મંત્રીએ કહ્યું કે રાજ્યની સંવેદનશીલ સરકારે ઉતરાયણ પર્વ નિમિત્તે મુંગા પશુ પંખીઓને થતી ઇજાઓ સંદર્ભે સારવાર આપવા કરુણા અભિયાન હાથ ધર્યું છે જેમાં પ્રતિવર્ષ હજારો પશુ-પંખીઓને સારવાર પૂરી પાડવામાં આવે છે.
તેમણે કહ્યું કે પશુપાલકોને ઉચ્ચ કોટીના પશુઓના ઉછેર માટે પ્રોત્સાહિત કરવા અંગે દૂધ ઉત્પાદન હરિફાઇ, પશુ પ્રદર્શન, શિબિરો, અશ્વ શો, પ્રેરણા પ્રવાસ, તાલીમ તેમજ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને બલ્ક મિલ્ક કુલર, ઓટોમેટિક મિલ્ક કલેક્શન સીસ્ટમ, કેટલ ફીડ ફેક્ટરી, મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ, ડેરી ઉદ્યોગ માટે માળખાકીય સુવિધાઓ, મિલ્કીંગ મશીનની સુવિધાઓ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં પશુપાલક નિયામક ફાલ્ગુનીબહેન ઠાકરે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે પશુ આરોગ્ય પશુ , પશુ સંવર્ધન, પશુ માવજત અને પશુ પોષણ અંગે પશુપાલકોને માર્ગદર્શન મળી રહે તે માટે ગો દર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિશેષાંક પશુપાલકો માટે માર્ગદર્શક રૂપ નીવડશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘‘ગોદર્શન ગાઇડ’’ને લગતી માહિતી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે એ માટે તૈયાર કરાયેલ ‘‘ગોદર્શન ગાઇડ’’ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાયું હતું.
આ પ્રસંગે ‘‘ગોદર્શન ગાઇડ’’ વિશેષાંકમાં શ્રેષ્ઠ લેખન કરનાર લેખકોનું પણ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરાયુ હતું. આ પ્રસંગે પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, ગો દર્શન ટ્રસ્ટના ચેરમેન આચાર્ય ઘનશ્યામ મહારાજ, પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય સહિત વિવિધ યુનિવર્સીટીના ચાન્સેલરઓ, સર્જકો તથા વેટરનરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ