રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના – વેસ્ટ ઝોન પેકેજ ૫/૬ અન્વયે EWS-2 પ્રકારના નામંજુર થયેલ ૧૬૭૬ ફોર્મના અરજદારોની ડીપોઝીટની રકમ NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) દ્વારા જમા કરાવાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના – વેસ્ટ ઝોન પેકેજ ૫/૬ અન્વયે EWS-2 પ્રકારના ૧૬૭૬ આવાસો માટે તા.૦૫/૦૪/૨૦૨૧ થી તા.૦૯/૦૭/૨૦૨૧ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવેલ. જેમાં કુલ ૭૦૩૪ ફોર્મ્સનું વિતરણ થયેલ અને તે પૈકી ૩૩૨૮ ફોર્મ્સ રૂ.૧૦,૦૦૦/- ડીપોઝીટ સાથે ભરાઈને પરત આવેલ. પરત આવેલ ફોર્મ્સનું સ્ક્રુટીની કરી EWS-2ના મંજુર થયેલ ૧૭૧૩ ફોર્મ્સનો જાહેર કોમ્પ્યુટરાઈઝ ડ્રો તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ કરીને ૧૬૭૬ લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવામાં આવેલ છે અને ૩૭ લાભાર્થીઓને વેઈટીંગમાં રાખવામાં આવેલ છે. જ્યારે ૧૬૧૫ ફોર્મ્સ અપૂરતા આધારોને કારણે નામંજુર કરવામાં આવેલ. જે લાભાર્થીઓને ડ્રોમાં આવાસ લાગેલ છે તેઓની ડીપોઝીટને પ્રથમ હપ્તા તરીકે ગણવામાં આવેલ છે તેમજ વેઈટીંગમાં રહેલ ૩૭ લાભાર્થીઓની ડીપોઝીટ જમા રાખી, નામંજુર થયેલ ૧૬૧૫ ફોર્મ્સના અરજદારોએ ડીપોઝીટ પેટે ભરેલ રૂ. ૧૦,૦૦૦/- અરજદારે ફોર્મમાં દર્શાવેલ એકાઉન્ટમાં NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ સુધીમાં પરત જમા કરાવવામાં આવશે.

અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં અરજદારોને ડીપોઝીટ રીફંડ લેવા માટે સ્વયં આવાસ યોજના વિભાગ ખાતે આવી જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેતી હતી. ત્યારબાદ આવાસ વિભાગ દ્વારા એક એક અરજી પ્રમાણે બિલ બનાવીને ડીપોઝીટ રીફંડ કરવા માટેની પ્રક્રિયા કરતી હતી. જેના કારણે જે અરજદારો આવાસ યોજના વિભાગ ખાતે આવી જરૂરી આધારો સાથે અરજી કરવામાં વિલંબ કરતા હતા તેઓને રીફંડ આપવામાં પણ વિલંબ થતો હતો.

અરજદારોની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકાના માન. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ આવાસ યોજના શાખા, હિસાબી શાખા અને આઈ.ટી શાખા દ્વારા સંકલન કરીને એક નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. જેમાં આવાસ વિભાગ દ્વારા નામંજુર થયેલ તમામ ફોર્મ્સમાં રહેલી એકાઉન્ટ નંબર, બેંકની વિગતો તેમજ અન્ય જરૂરી વિગતો સંકલિત કરીને એક સાથે તમામ અરજદારોને ડીપોઝીટની રકમ પરત તેઓના એકાઉન્ટમાં NEFTથી જમા થઇ જાય તે પ્રમાણે કાર્યવાહી કરશે. તેમજ આ કામ માટે હવે લાભાર્થીઓએ રાજકોટ મહાનગરપાલિકાની ઓફીસ ખાતે આવવાની જરૂર નહિ પડે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા સામેથી અરજદારોને તેઓના એકાઉન્ટમાં રીફંડ જમા કરાવી આપશે.

જે અરજદારોના પૈસા ઉક્ત સમયમાં એકાઉન્ટમાં જમા ન થાય, તેઓએ દીપાવલી પર્વની જાહેર રજાઓ બાદ રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગનો જરૂરી આધારો સાથે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે. જેથી આવા અરજદારોના પૈસા પણ તાત્કાલિક મળી રહે તે પ્રકારની કાર્યવાહી કરી શકાય.
આજ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના – વેસ્ટ ઝોન પેકેજ ૫/૬ અન્વયે EWS-1 તેમજ MIG કે જેમાં અરજદારો દ્વારા અનુક્રમે રૂ.૩,૦૦૦/- અને રૂ. ૨૦,૦૦૦/- ડીપોઝીટ પેટે ભરેલા છે પરંતુ તા.૦૮/૧૦/૨૦૨૧ના રોજ થયેલ જાહેર કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં આવાસ ફાળવવામાં આવેલ નથી એવા અરજદારોના ડીપોઝીટ રીફંડ કરવા માટે આવાસ વિભાગ દ્વારા તમામ ફોર્મ્સમાં રહેલી એકાઉન્ટ નંબર, બેંકની વિગતો તેમજ અન્ય જરૂરી વિગતો સંકલિત કરવામાં આવી રહી છે તેમજ નવેમ્બર માસના અંત સુધીમાં આવા અરજદારોના ડીપોઝીટ રીફંડ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત જે લાભાર્થીઓને ઉક્ત યોજનાઓ EWS-1, EWS-2, MIG ના ડ્રોમાં આવાસ લાગેલ છે અને એલોટમેન્ટ લેટર લેવાના બાકી છે, તેઓને વહેલી તકે આવાસ યોજના વિભાગનો જરૂરી આધારો સાથે સંપર્ક કરીને એલોટમેન્ટ લેટર મેળવી લેવા માટે પણ અપીલ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment