કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર/જિલ્લામાં આગામી તા.૧૦ ઓક્ટોબર સુધી રાત્રિના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ જારી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર/જિલ્લામાં આગામી તા.૧૦-૧૦-૨૦૨૧ સુધી દરરોજ રાત્રીનાં ૧૨:૦૦ કલાકથી સવારના ૬:૦૦ કલાક સુધી રાત્રી કરફ્યુનો અમલ રહેશે. રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકા અને હુકમનું પાલન કરતા ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ વિવિધ નિયંત્રણો ફરમાવ્યા છે. જે નીચે મુજબ છે.

આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમક્રિયા કે દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે.

સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓમાં કોરોના ગાઇડલાઇનની પાલનની શરતે નિયત એસ.ઓ.પી.ને આધીન મહત્તમ ૪૦૦ વ્યક્તિ તેમજ બંધ સ્થળે મહત્તમ ૫૦% (૪૦૦ વ્યક્તિની મર્યાદામાં) એકત્રીત થઇ શકાશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત ગમત ચાલુ રાખી શકાશે.

ઉક્ત નિયંત્રણો ઉપરાંત આગામી તા.૧૦-૧૦-૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન ભાવનગર શહેરના સમગ્ર વિસ્તારોમાં રાત્રિના ૧૨:૦૦ કલાકથી સવારના ૬:૦૦ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રિ કરફ્યુ દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેમજ બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસ.ટી. કે સીટી બસની ટિકિટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રી કરફ્યુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ અવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમની ઓળખ પત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવા રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક કે વ્યાપારિક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (Take away Service સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ-કોમ્પ્લેક્ષ, અઠવાડિક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજન સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પલેક્ષ રાત્રીના ૧૦ વાગ્યા સુધી શરૂ રાખી શકાશે.

નવરાત્રી દરમિયાન સમગ્ર જિલ્લામાં રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪00 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા / ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈશે. આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ જિલ્લામાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈ પણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી.

અપવાદ :
આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા પ્રવૃત્તિઓ સોશ્યલ ડિસ્ટન્સીંગ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝર વગેરે સંબંધમાં covid 19 ની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે ચાલુ રહેશે.

Covid 19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક, તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે મેડિકલ-પેરામેડિકલ તથા તેને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજનનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દૂધ, શાકભાજી, ફળફળાદી, ઉત્પાદન વિતરણ અને વેચાણ તથા તેની home delivery સેવા, શાકભાજી માર્કેટ તથા ખૂબ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય-સામગ્રીનું વેચાણ અને તે વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસ અને વોટર રેસ્ટોરન્ટમાંથી એક ફેસીલીટી આપતી સેવાઓ, ઇન્ટરનેટ, ટેલીફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી.,પી.એને.જી., સી.એન.જી.ને સંબંધિત પંપ ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડોપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. આ તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન સેવાઓ તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન covid-19 માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાં પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્ક મેનેજમેન્ટ કાળજી લેવાની રહેશે.
આ જાહેરનામામાં/હુકમનો ઉલ્લંઘન કરનારને ધિ એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૯૯૩, ધી ગુજરાત એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન-૨૦૨૦, ભારતના ફોજદારી અધિનિયમ(સને ૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ ૧૮૮ તથા ધિ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ પગલાં લેવા તથા ફોજદારી કામમાં માટે હેડ કોન્સ્ટેબલ થી નીચેના ના હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરના જાહેરનામામાં ફરમાવાયું છે.

બ્યુરોચીફ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment