વિંછીયા ખાતે રૂ.૭.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ બે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

વિછીંયા ગામે રાજયના પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ધારાસભ્ય ગ્રાંટમાંથી તૈયાર થયેલ રૂ. ૨.૫૦ લાખના નુતન બસ સ્ટેશનનું તથા ઓરી રોડ પર આવેલ જુના બસ સ્ટેશનની જગ્યાએ રૂા. ૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવા બસસ્ટેશનનું લોકાર્પણ યોજાયું હતું. રાજયના સર્વાંગી વિકાસ માટે સુયોગ્ય પરીવહનની વ્યવસ્થા પણ એક મહત્વનું પાસુ છે તેમ જણાવતાં કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજયના છેવાડાના ગામ સુધી માર્ગ અને પરીવહનની સુવિધા સુચારૂરૂપે લોકોને ઉપલબ્ધ બને તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આ તકે તેઓએ રાજય સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે કરાયેલ વિવિધ કામોની વિગતો આપતાં કહયું હતું કે વિંછીયા ખાતે પીવાનું પાણી ઘરે-ઘર નળ દ્વારા પહોંચાડવા રૂા. ૯.૨૫ કરોડથી વધુના ખર્ચે વાસ્મો હેઠળ વિંછીયા ગામને ચાર ઝોનમાં વહેંચી પીવાના પાણીની યોજનાનું કામ પ્રગતિમાં છે. ગટરના પાણીના નીકાલ માટે રૂા. ૧૭ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના અને રૂા. ૫ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત થનાર છે. આ ઉપરાંત દર ત્રણ ગામ દીઠ એક પેટા આરોગ્ય કેન્દ્રની કામગીરી હાલ ચાલી રહી છે. નવા સામુહિક કેન્દ્રની કામગીરી પણ પ્રગતિમાં છે. ટુંક સમયમાં જ રૂા. ૯.૫૦ લાખના ખર્ચે આઇ.ટી.આઇ. સહિત નવી સાયન્સની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંસ્થા બનવાની છે. રૂા. ૨૨ લાખના ખર્ચે નવું પંચાયત ભવન બની રહયું છે. આમ રાજય સરકાર આ વિસ્તારની કાયાપલટ કરવા સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત વિછીયામાં ધારાસભ્યની ગ્રાંટમાંથી ઓરી રોડ પર જુના બસસ્ટેશન ખાતે તૈયાર થયેલ નવા બસસ્ટેશનનું પણ મંત્રી બાવળીયાએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી વાંદા, માલતદાર ભેંસાણીયા, તાલુકા વિકાસ અધિકારી માંડલીયા સહિત ગામના સરપંચ, પંચાયતના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment