૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ભાવનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારતની આઝાદીના ૭૫ માં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં ‘અટલ ઓડિટોરિયમ’ ખાતે દેશભક્તિના ગીતોનો રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તકે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વની પૂર્વે સંધ્યાએ દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે જેવા અનેક નામી-અનામી લોકોનું યોગદાન રહેલું છે.

તેમણે કહ્યું કે, એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર રહે છે તેમને વંદન કરવાનો આ અવસર છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવીને કાશ્મીર થી કન્યાકુમારી સુધી એક અને અખંડ ભારતનું મહાનુભાવોનું સ્વપ્ન વાસ્તવિકતામાં સાકાર કરીને દેશભક્તિનું સાચું સ્વાર્પણ કર્યું છે.

આઝાદીના આવાં મહામૂલા અવસરે દેશ માટે જીવવાનાં, દેશ માટે મરી ફિટવા માટે સંકલ્પબદ્ધ થઈએ તે જ આઝાદી પર્વની સાચી અંજલિ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે શ્યામભાઈ મકવાણા, ભાવેષ વ્યાસ, સુરભી પરમાર અને તેમની ટીમ દ્વારા દેશભક્તિના ગીતોની અદ્ભૂત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને શ્રોતાઓએ તેમને મોકળા મને માણી હતી.

આ સિવાય યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દેશભક્તિના રંગે રંગાયેલા સાંકૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.

જિલ્લા કલેકટરએ શાબ્દીક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાં છે. અનેક લોકોનાં બલિદાનને કારણે આપણે અહીંયા પહોંચ્યા છે. હવે પછીનાં ૨૫ વર્ષમાં દેશને ૧૦૦ વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે આગામી ૭૫ વર્ષમાં આપણે જે નથી મેળવ્યું તે આગામી ૨૫ વર્ષમાં મેળવવાં કટીબધ્ધ થઈએ તે જ આઝાદીની પૂર્વ સંધ્યાએ આપણો સંકલ્પ હોઈ શકે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, મદદનીશ કલેકટર પુષ્પલતા, અધિક જિલ્લા કલેકટર બી.જે.પટેલ, યુનિવર્સિટીના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકાબેન વાટલિયા, સીટી મામલતદાર ધવલ રવૈયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment