નવનિર્મિત ‘વીર મોખડાજી’ની પ્રતિમાનું અનાવરણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી સુ.વિભાવરીબેન દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર

શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે રૂા. ૨૬.૪૮ લાખના ખર્ચે નવનિર્મિત ‘વીર મોખડાજી’ ની પ્રતિમાનું અનાવરણ આજે કર્યું હતું. આ ઉપરાંત તેમણે સુભાષનગર ખાતે રૂા.૧.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત ‘પરશુરામ પાર્ક’ નું લોકાર્પણ પણ કર્યું હતું.
મંત્રી સુ. વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, જે સમાજ ઈતિહાસને ન વિસરી જાય છે. તેને સમાજ કોઇ દિવસ પ્રગતિ ન કરી શકે. ઇતિહાસની મહાન પ્રતિભાઓને ઉજાગર કરવી તે ઇતિહાસને ઉજળું કરવાનું પવિત્ર કાર્ય છે, તેને પુનર્જીવિત કરવાનું કાર્ય છે.

ભાવનગર ખાતે નવનિર્મિત ‘પરશુરામ પાર્ક’ જિમ સાથેનો પાર્ક છે તેમ જણાવી તેમણે આ પાર્ક માટેના સાધનોની જોગવાઇ તેઓ કરશે તેની જાહેરાત પણ કરી હતી. તેમણે આજે લોકાર્પિત થયેલ બગીચા પોતાનો હોય તે રીતે ઉપયોગ કરી, તેમાં સ્વચ્છતા જળવાય તે માટેનો ખ્યાલ રાખવાં ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.
મંત્રીએ કહ્યું કે, બગીચાનું નામ પરશુરામ પાર્ક છે. આ એ પરશુરામ છે કે જેમણે શસ્ત્ર સાથે શાસ્ત્રની પણ વિદ્યા આપી હતી. આ બગીચાનો સારામાં સારો ઉપયોગ થાય, સિનિયર સિટીઝનોને તેનાથી નિરાંતથી બેસવાની જગ્યા મળશે.

ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આજથી શરૂ થયેલ રાજ્યમાં શરૂ થયેલ રસીકરણમાં તમામ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. કોરોના સામે રસીકરણ એ જ અમોઘ શસ્ત્ર છે. સમાજને બચાવવાનું પવિત્ર કાર્ય પણ રસીકરણ છે, ત્યારે તમામ લોકો રસીકરણ કરે અને કરાવે તે સમયની જરૂરિયાત છે. જે ઇતિહાસ ભુલી જાય છે, તેને ઇતિહાસ ભૂલી જતો હોય છે તેમ જણાવી તેમણે ‘વીર મોખડાજી’ ની પ્રતિમાથી તેમના કાર્યો લોકો વચ્ચે જીવંત રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયાએ જણાવ્યું કે, ભાવનગર શહેર એ સર્કલ અને બગીચાઓનું નગર છે. જેમાં આજે ‘પરશુરામ પાર્ક’નું લોકાર્પણ થવાથી શહેરની સુંદરતામાં ઓર વધી છે. ‘વીર મોખડાજી’ ની વીરતાથી આ પંથકનું રક્ષણ થયું હતું તેથી તેમની પ્રત્યેની કૃતજ્ઞતા પણ આ તકે વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પાર્ક ૩૯ હજાર ફુટમાં વિકસીત કરવામાં આવ્યો છે. તેમાં ૪ ગઝેબો, પેવીંગ પાથ વે, વોકિંગ ટ્રેક, ચીલ્ડ્રન પ્લે એરિયા છે જેથી તે રમણીય અને ફરવાલાયક સ્થળ બની રહેશે. આ ઉપરાંત ગાર્ડનમાં જીમ પણ હોવાથી ફિઝિકલ ફિટનેશ માટે પણ ઉપયોગી બની રહેશે.
આ અવસરે ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, શહેર પ્રમુખ રાજીવભાઇ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, તેમજ નગરસેવાઓ તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment