રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી

હિન્દ ન્યુઝ, નડિયાદ

   વલસાડ જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી.
એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે. આ બેય તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહિના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.
     મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવી વિપરીત સ્થિતિમાંથી ધરમપૂર કપરાડાના વનબંધુઓને બહાર લાવી તેમને પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા આપવાની સંપૂર્ણ સંવેદના સાથે દમણગંગા જળાશયમાંથી લિફ્ટ ઇરીગેશન દ્વારા પાણી આપવાની આ સૂચિત કાર્ય યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ લિફ્ટ ઇરીગેશન યોજનાની સંભવિત પથરેખામાં વલસાડ જિલ્લાની ત્રણ મોટી નદીઓ કોલક, પાર અને તાન નદી ક્રોસ કરવાની થશે.
     આ નદીઓ પર અંદાજે નવ મોટા ચેકડેમ અને તેની પ્રશાખાઓ પર આશરે સાત નાના ચેકડેમ મળી કુલ 16 ચેકડેમમાં પાઇપલાઇનથી પાણી ભરવામાં આવશે.
આના પરિણામે આ નદીઓ પૂર્ન:જીવિત થવાથી 1730 એકર જમીનને આ ચેકડેમથી સિંચાઇનો લાભ પણ મળતો થશે.
સમગ્રયતા આ ઉદવહન સિંચાઇ યોજના થકી કપરાડા-ધરમપૂરના મળીને 37થી વધુ ગામોની 34180 એકર જમીનને સિંચાઇ સવલતો અને હજારો વનબંધુ ગ્રામિણ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળતું થશે.
આ ઉપરાંત દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણાકાંઠા મેઇન કેનાલમાં નાખી નહેરનો ડિસચાર્જ વધારી ભવિષ્યમાં વધતી જતી પાણીની માંગને પહોંચી વળવાનું પણ બહહેતુક આયોજન છે.
    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના 14 વનબંધુ જિલ્લાઓના 54 તાલુકાઓમાં ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ પ્રદેશમાં વસેલા ગામો-વિસ્તારોના વનબાંધવો માટે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવવાનો આગવો વ્યૂહ અપનાવ્યો છે.
     મુખ્યમંત્રીએ આ વિસ્તારોમાં પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી તેના નિરાકરણ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી વર્ષ 2016થી 2020ના ચાર વર્ષ દરમ્યાન નાની સિંચાઇ યોજનાઓ, હાઇ લેવલ કેનાલ, નાના માટે ચેકડેમો, લિફ્ટ ઇરીગેશન સ્કીમ એટલેકે ઉદવહન સિંચાઇ યોજનાના કામો મોટાપાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ પ્રેરિત કર્યા છે.
     તેમણે રાજ્યના 14 વનબંધુ જિલ્લાઓમાં 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધિ માટે ચાર વર્ષમાં રૂપિયા 6642 કરોડના માતબર ખર્ચે નાની માટે 1644 યોજનાઓ મારફત કુલ 5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે.
     તદઅનુસાર, મુખ્યત્વે 13 મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, 344 લિફ્ટ ઇરીગેશન સ્કીમ, 238 નાની મોટી સિંચાઇ યોજનાઓ, 432 નાના મોટા ચેકડેમો તેમજ 617 અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની 5,43,067 એકર જમીનને સિંચાઇનો લાભ પહોચાડવાની વિવિધ યોજનાઓ પ્રગતિમાં કે પૂર્ણતાના તબક્કે છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment